રાજકોટના ઍરપોર્ટ રોડ ઉપર એટીએમ તોડવાનો પ્રયાસ: સાઇરન વાગતાં ત્રણ મિનિટમાં પોલીસ પહોંચી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટના એરપોર્ટ રોડ પર ખૂણે આવેલી બૅન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ કરતા જ સાઇરન વાગ્યા માંડ્યું હતું. સિક્યોરિટી એજન્સી દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો માત્ર ત્રણ મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી જતાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર બે બુકાનીધારી નાસી ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ અને કાર્યવાહી ચાલુ છે. શહેરના એરપોર્ટ રોડ પર આવેલું સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ મોડી રાત્રે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટીએમ તોડવાનો પ્રયાસ કરતા જ અંદર લગાવવામાં આવેલું સાઇરન મોટેથી વાગવા લાગતાં એજન્સીને જાણ થઈ હતી અને બાદમાં તેઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી એરપોર્ટ રોડ પર એટીએમ તૂટવા અંગેનો મેસેજ આપતા જ સ્થાનિક પ્ર. નગર પોલીસ મથકના પીઆઇ ગોંડલીયા અને ડી સ્ટાફ તેમજ પીસીઆર વેન ઘટના સ્થળે માત્ર ત્રણ મિનિટમાં જ પહોંચી ગઈ હતી.પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાં એટીએમનું શટર હથિયારથી ઊંચકેલું હતું. તેમ જ બૅન્ક અધિકારીને જાણ કરવામાં આવતા બૅન્ક અધિકારી પણ ત્યાં પહોંચી ગયા હતા. તેમજ ત્યાં સીસીટીવી કેમેરા જોવામાં આવતા બે બુકાનીધારી તેમાં નજરે પડ્યા હતા. પોલીસે મોડી રાત્રે જ શહેરમાં નાકાબંધી કરી બંનેને પકડી લેવા તજવીજ આદરી હતી. તેમજ આ એટીએમમાં લાખોની રકમ હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. બૅન્ક કર્મચારીની ફરિયાદ લેવા તજવીજ આદરી છે. બનાવની જાણ થતાં જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સુચનાથી ક્રાઈમ બ્રાન્ચ તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં. તેમજ ઘટનાના સીસીટીવી ફુટેજમાં દેખાતા બન્ને શખસોને પકડી લેવા ફુટેજ જિલ્લાની પોલીસને બ્રોડકાસ્ટ કર્યા હતાં.