પોલીસ જ સલામત નથી! માંડવીના પોલીસ મથકમાં જ પોલીસ કર્મીઓ પર ઘાતક હુમલો
ભુજ: આજથી પાંચ વર્ષ અગાઉ કચ્છના માંડવી શહેરના પોલીસ મથકમાં ફરજ બજાવનારા પી.એસઓ પર હુમલો કરનારો પાંચોટિયા ગામનો માથાભારે પુનશી આલા ગઢવી અને તેના સહોદર સહિત ચાર શખ્સોએ ગત મધરાત્રે માંડવીના પોલીસ મથકમાં ગેંગસ્ટરોની જેમ ઘાતક હથિયારો વડે પીએસઓ અને હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરી દેતાં કચ્છ
સહીત રાજ્યભરના પોલીસ બેડાંમાં ચકચાર પ્રસરી છે.
તપાસ અધિકારી સાથે બોલચાલ
આ ઘટના અંગે માંડવી પોલીસે જણાવ્યું હતું કે, પુનશી ગઢવીના નાના ભાઈ હરિ ગઢવીના ખાતામાંથી 70,000 હજાર રૂપિયા બારોબાર ઉપડી ગયા હતા જેને સાયબર પોલીસે તુરંત કાર્યવાહી કરીને એ નાણાં પરત મેળવી દીધા હતા. નાણાં બારોબાર ઉપાડી લેનારા આરોપીઓ હજુ પકડાયાં નથી. આ ગુનાની તપાસ માંડવીના હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશી કરી રહ્યા છે. હરિ અને પુનશીએ ‘આરોપીઓને કેમ પકડ્યાં નથી?’ કહીને મેહુલ જોશી જોડે વિવાદ પણ કર્યો હતો.
ફોન પર મારવાની આપી ધમકી
નાઈટ ડ્યુટીમાં રહેલા હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશી પોલીસ સ્ટેશને હાજર હતા ત્યારે આરોપીઓએ તેમને ફોન પર ગાળો ભાંડીને મારવાની ધમકી આપી હતી અને રાત્રે સાડા બારના અરસામાં તલવાર, ફરસી, છરી અને ધોકા સાથે બંને ભાઈ તથા તેમના બે સાગરીત શામળા થારુ ગઢવી (મોટી ભુજપુર) અને ગોપાલ રામ મીંઢાણી (ઝરપરા, મુંદરા) સાથે માંડવીના પોલીસ મથકમાં ધસી આવ્યા હતા. અહીં આવતાં અગાઉ તેમણે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોતે હુમલો કરવાના હોવાની જાણ પણ કરી હતી.
આ પણ વાંચો : ભુજના મદરેસામાંથી બે કિશોરો અચાનક થયા ગુમ: પરિવાર ચિંતાતુર
PSO પર કર્યો તલવારથી વાર
આરોપીએ પોલીસ સ્ટેશન ઑફિસર સંતોષ રાઠોડ પર તલવાર ઝીંકવા પ્રયાસ કર્યો હતો જયારે હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશી પર પણ ઘાતક હુમલાનો પ્રયાસ કર્યો હતો જો કે,સતર્ક કર્મચારીઓએ આરોપીઓએ હથિયારથી કરેલાં વાર ચૂકાવી દેતાં તેમનો આબાદ બચાવ થયો હતો. હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશીને હુમલામાં સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય સ્ટાફે ચારે જણને ઝડપી લેતાં હત્યાનો પ્રયાસ નાકામ રહ્યો હતો.
પીએસઓએ નોંધાવી ફરિયાદ
આ ચોંકાવનારી ઘટના બાદ ભુજના ડીવાયએસપી જાડેજા સહિતના અધિકારીઓ માંડવી દોડી ગયાં હતાં. હત્યાનું ષડયંત્ર ઘડીને ઘાતક હથિયારો સાથે પોલીસ મથકે આવી ફરજમાં કાર્યરત પોલીસ કર્મચારીઓની હત્યાના પ્રયાસ હેતુ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવા તથા બારીના કાચ ફોડીને પાંચ હજાર રૂપિયાનું જાહેર મિલકતમાં નુકસાન કરવા સહિતની વિવિધ ભારેખમ કલમો હેઠળ પીએસઓ સંતોષ રાઠોડે ગુનો નોંધાવ્યો છે.
આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ
અત્રે એ નોંધનીય છે કે, હુમલાખોરો પૈકી 34 વર્ષિય પુનશી રીઢો આરોપી છે. તેની વિરુધ્ધ વર્ષ 2014થી લઈ અત્યાર સુધીના દસ વર્ષમાં અપહરણ, ઘાતક હુમલો કરવો, દારૂબંધી, એટ્રોસીટી સહિતના 16 જેટલાં ગુના માંડવી ઉપરાંત માનકૂવા, ભુજ, ગાંધીધામ સહિતના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં છે.