સમાજ સાથે ગદ્દારીના આરોપ સાથે સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો; ખોડલધામ સાથેનો વિવાદ જવાબદાર?

રાજકોટ: રાજ્યમાં ગુનાખોરીના વધતાં જતા બનાવોની વચ્ચે ગઇકાલે રાજકોટમાં ભાજપના નેતા પર ખુદ પોલીસના એક અધિકારી દ્વારા જ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટના મવડી કણકોટ રોડ ઉપર રામ પાર્કમાં રહેતા પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા પર ચોકી સોરઠ ટ્રેનીંગ સેન્ટરના પીઆઈ સંજય પાદરીયાએ હુમલો કર્યો હતો. જેના વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
PIએ કર્યો હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં એક જીવલેણ હુમલાના બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ રામ પાર્કમાં રહેતા પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા શહેરના મવડી કણકોટ રોડ પર કોઈ પ્રસંગમાં જતા હતા ત્યારે જુનાગઢના ચોકી સોરઠ ટ્રેનીંગ સેન્ટરના PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હતો.
રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ
PI સંજય પાદરિયાએ ફરિયાદીને તે ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે તેમ કહી ગાળો આપીને તેમને માથાના ભાગે પિસ્તોલ જેવા હથીયાર વડે ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આજ તો તને મારી જ નાખવો છે તેમ કહી મારી નાખવાના ઇરાદે પિસ્તોલ જેવા હથીયાર વડે ઇજા પહોંચાડવા બાબતે રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો…આવી અફવાને કારણે સંભલમાં ભડકી હિંસા! હજુ પણ તંગદિલી ભર્યું વાતાવરણ, પોલીસનું ફ્લેગ માર્ચ
હોસ્પિટલમાં દાખલ
જીવ બચાવવા જયંતીભાઈ ગાડી લઈને ભાગવા જતા હથિયાર લઈને પાછળ દોડતા સનસનાટી મચી જવા પામી છે ગંભીર રીતે ઘવાયેલા પાટીદાર અગ્રણીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પીટલે દોડી આવ્યા હતા.