ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો, ગબ્બર નહીં ગદ્દાર લખેલા પોસ્ટર દર્શાવ્યા…

ગોંડલઃ ગણેશ જાડેજાએ આપેલા પડકારના પગલે અલ્પેશ કથીરિયા આજે ગોંડલની મુલાકાતે છે. તેઓ આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ તેની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ અલ્પેશે જણાવ્યું કે, જ્યાં સુધી અમે ગોંડલમાં રહીશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવે તો તેના પર હુમલા કરવામાં આવે છે. ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિના ઈશારે નચાવવામાં આવી રહી છે.
ગબ્બર નહીં ગદ્દાર લખેલા બેનર દર્શાવાયા
ગોંડલ પહોંચ્યા બાદ અલ્પેશ કથીરિયાએ આશાપુરા મંદિર ખાતે દર્શન કર્યા હતા. જે બાદ અક્ષર ધામ મંદિર પહોંચ્યા હતા. તેનો કાફલો અક્ષર મંદિર પહોંચ્યો ત્યારે ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકોએ બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો. ગોંડલમાં સર્વજ્ઞાતિ એકજૂથ હોવાના બેનરો દર્શાવાયા હતા. અલ્પેશ કથીરિયાને લઈ ગબ્બર નહીં ગદ્દાર લખેલા બેનર પણ દર્શાવવામાં આવ્યા હતા.

બે દિવસ પહેલા સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, માનું ધાવણ ધાવ્યાં હો તો મેદાનમાં આવી જાઓ. મારી ગાડી બે વાગે ગોંડલમાં જોવા મળશે. જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પકડીને પણ બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો. 200 કિમી દૂરથી વીડિયો બનાવીને રમત ન રમશો. અલ્પેશ કથીરિયાએ ચેલેન્જ સ્વીકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ગોંડલ, સ્વાગતની કરો તૈયારી. આખા ગોંડલામાં ફરવા આવીએ છીએ.

ગોંડલમાં કોઈ જ્ઞાતિવાદ છે જ નહીંઃ સ્થાનિકો
અલ્પેશ કથીરિયાની મુલાકાતને લઈ ગોંડલમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકો તેના સમર્થનમાં આવ્યા હતા, તો અમુક જગ્યાએ વિરોધ થયો હતો. મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ કથીરિયાનો વિરોધ કરતાં લોકોએ જણાવ્યું હતું કે, ગોંડલમાં કોઈ જ્ઞાતિવાદ છે જ નહીં. જ્યારે પણ ગણેશ જાડેજા પાસે જઈએ ત્યારે પણ ન્યાય મળે છે. એટલું જ નહીં ગણેશ જાડેજાના સમર્થનમાં સૂત્રોચ્ચાર અને પોસ્ટરો સાથે પ્રદર્શનકારીઓએ હાઈવે પર ઠેરઠેર વિરોધ કર્યો હતો. જેના કારણે થોડા સમય માટે ટ્રાફિકને અસર પહોંચી હતી.

ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકેઃ ગણેશ જાડેજા
ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું, ગોંડલની જનતાએ અલ્પેશ કથીરિયા ને જવાબ આપી દીધો છે. ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો. ગીતા બા જાડેજા અને ગણેશ જાડેજાના બંગલાની બહાર લોકોએ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા હતા.
ગોંડલમાં ભાઈચારો છેઃ જયરાજસિંહ જાડેજા
ગણેશ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કહ્યું, ગોંડલમાં શાંતિનો માહોલ છે. બહારથી આવેલા લોકો વાતાવરણ ડહોળે છે અને ગોંડલને બદનામ કરે છે. તમામ લોકો અમારી સાથે છે. ગોંડલની જનતા ગણેશને દિકરો માને છે. લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતર્યા છે.

આપમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યો હતો અલ્પેશ કથીરિયા
પાટીદાર આંદોલનથી નેતા બનીને ઉભરેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા એપ્રિલ, 2024માં ભાજપમાં સામેલ થયા હતા. સુરતમાં સી આર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં હતા અને આપમાંથી જ 2022 વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. સુરતની વરાછા વિધાનસભા સીટ પરથી ભાજપના કિશોર કાનાણી સામે તેમની હાર થઈ હતી.
આપણ વાંચો : ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે મારપીટ અને રાજકોટમાં મોત! અમિત ચાવડાએ કર્યા આક્ષેપો