ગેરકાયદેસર હથિયારોની તસ્કરીનો પર્દાફાસ, ATSએ 25 પિસ્તોલ અને 90 ગોળીઓ સાથે 6 લોકોની કરી ધરપકડ

અમદાવાદ: ગુજરાત ATSએ અન્ય રાજ્યમાંથી હથિયારો લાવી ગુજરાતમાં વેચવાના રેકેટ ચલાવનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત ATSએ ગેરકાયદેસર હથિયારો સાથે શિવમ ડામોર નામના યુવક સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે, શિવમ મધ્યપ્રદેશનો રહેવાસી છે. એટીએસને ગુપ્ત બાતમી મળી હતી કે શિવમ અમદાવાદમાં મનોજ નામના યુવકને હથિયારો પહોંચાડવા જઈ રહ્યો છે. જે બાદ તેના પર નજર રાખવામાં આવી રહી હતી.
ATSના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના મળી હતી. જે સૂચના અન્વયે નાર્કોટિક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું. આ દરમ્યાન ATSના નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશના જાંબુઆનો શિવમ નામનો માણસ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પિસ્ટલો તથા કારતૂસોનો જથ્થો રાખીને 25 એપ્રિલના રોજ 4:00 વાગ્યે અમદાવાદના નારોલ બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ ઉપર આવીને ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઇસમને ડીલીવરી કરવા આવવાનો છે.
આ માહિતીને આધારે ATS ગુજરાતના પોલીસ સબ ઈન્સપેક્ટર વી.આર જાડેજા અને વી.એન ભરવાડ તેમજ તેમની ટીમના માણસોએ તે જગ્યાએ વોચ ગોઠવી હતી. ATSએ શિવમ ઇન્દ્રસિંહ ડામોરને તક જોઈને તે ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી લીધો હતો. પોલીસને તેની પાસેથી 5 પિસ્તોલ અને 20 ગોળીઓ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે શિવમ અગાઉ પણ ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારો સપ્લાય કરી ચૂક્યો છે. જે બાદ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓ બસ દ્વારા વિવિધ શહેરોમાં હથિયારો સપ્લાય કરતો હતો, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે પૈસા કમાવવા માટે જ હથિયારો પહોંચાડતો હતો. તે મધ્યપ્રદેશથી 30-35 હજાર રૂપિયામાં પિસ્તોલ ખરીદતો હતો અને 50થી 55 હજાર રૂપિયામાં વેચતો હતો. તેણે ગુજરાતના અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પાંચ અલગ-અલગ લોકોને 20 પિસ્તોલ અને 70 રાઉન્ડ ગોળીઓ વેચી છે.
આ મામલે ડેપ્યુટી એસપી હર્ષ ઉપાધ્યાયએ જણાવ્યું કે આરોપી શિવમ દર ચાર-પાંચ દિવસે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જતો હતો અને ગેરકાયદેસર હથિયાર ખરીદવામાં રસ ધરાવતા લોકોને મળતો હતો. ડીલ ફાઇનલ થયા બાદ તે તેમને હથિયારો અને ગોળીઓ વેચતો હતો આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ધંધામાં સંડોવાયેલા અન્ય લોકોને પણ શોધી કાઢવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં વધુ લોકોની ધરપકડ પણ થઈ શકે છે.