મતદાનના દિવસે વાતાવરણનો અલગ મિજાજ : એકતરફ આકરી ગરમી તો આ જગ્યાએ વીજળીના કડાકા-ભડાકા

ગાંધીનગર : આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન છે, આ જ દિવસે ગુજરાતના વાતાવરણનો પણ મિજાજ બદલાયો (weather update)છે. રાજ્યમાં એક તરફ હીટવેવની આગાહી છે, તો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે. સોમવારે રાતે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા. તો બીજી તરફ, વલસાડનો દરિયો એકાએક તોફાની બન્યો હતો. આ બંને ઘટનાને જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં મોટા પલટા આવવાની શક્યતા છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચુંટણીના મતદાનના દિવસે ભારે ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ અંબાજી હડાદ પંથકમાં મોસમના મિજાજમાં પણ પરીવર્તન આવ્યું હતું. અંબાજીના હડાદ પંથકમા વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. મતદાનના એક દિવસ પહેલા જ હડાદ પંથકના આકાશમાં વીજળીના કડાકા થતાં જોવા મળ્યા હતા.
તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વલસાડનો તીથલનો દરિયો એકાએક તોફાની બન્યો છે. ગઈકાલે તિથલ બીચ ઉપર 8 થી 10 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. દરિયાના મોજા બીચ પર બનવવામાં આવેલ વોકવે સુધી ધસી ગયા હતા. આ વચ્ચે પણ જીવન જોખમે સહેલાણીઓ દરિયાના મોજાની મજા માણતા નજરે પડ્યા હતા. જોખમી મોજામાં સહેલાણીઓ નાહતા નજરે પડ્યા હતા. બીચ પર કોઈ પણ પ્રકાર ના સાવચેતીના પગલાં ન લેવામાં આવતા સહેલાણીઓના જીવ જોખમમાં મુકાયા હતા.