સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં પહેલા નોરતે ભક્તોનું ઘોડાપૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત, સહિત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી આવેલા માઇભક્તોએ પાવાગઢ ડુંગર ઉપર વિરાજમાન મહાકાળી માતાજી સામે શ્રધ્ધાભેર માથું નમાવ્યું હતું. રવિવારે આસો નવરાત્રીના પહેલા નોરતે મોટી સંખ્યામાં રાત્રે પહોંચેલા માઇભક્તોએ ડુંગર ઉપર જ રાતવાસો કરી રવિવારે વહેલી સવારે માતાજીના દર્શન કર્યા હતા. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ મહાકાળી મંદિર પાવાગઢ ખાતે દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માઇભક્તો સવારે ૩:૦૦ વાગ્યાથી દર્શન માટે લાઇનમાં લાગી ગયા હતા. માતાજીના જયઘોષ સાથે વહેલી સવારે ૪.૦૦ વાગે મંદિરના કપાટ ખોલવામાં આવતા જ શ્રધ્ધળુઓએ માતાજીના દર્શન કર્યા હતા. નવરાત્રીના પહેલા દિવસે ચોકમાં અને ઘરે ઘટ સ્થાપન કરવા મધ્ય પ્રદેશથી અહીં જ્યોત લેવા માટે આગલી રાત્રે પહોંચેલા સંઘો સાથે આવેલા લાખો માઇભક્તોએ અપૂરતી વ્યવસ્થા સાથે ડુંગર ઉપર જ રાતવાસો કર્યો હતો. પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવરાત્રી દરમિયાન અત્રે આવનારા લાખો માઇભક્તોની સગવડ અને સુવિધા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.