રાજકોટના રાજવી પેલેસમાં હાથમાં તલવાર સાથે ક્ષત્રિય બહેનોએ ગરબાની રમઝટ બોલાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટના રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી તલવાર રાસ, થાળી રાસ, તાળી રાસ, બુલેટ પર તલવાર સહિતના અનેક રાસ કરવામાં આવે છે. રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ક્ષત્રિયાણીઓએ બુલેટ પર તલવાર રાસ, એક હાથમાં સ્ટીયરિંગ અને બીજા હાથમાં તલવાર ફેરવીને સૌને અચંબિત કરી દીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં શૌર્ય રાસનો આ અદ્ભુત નજારો જોઈને સૌ કોઈ એક નજરે જોતા જ રહી ગયા હતા. રાજવી માંધાતાસિંહના પેલેસ પ્રાંગણમાં મહિલાઓએ ધારદાર એક-એક, બે-બે કિલોની તલવાર હાથમાં લઈને રાસ રમીને ગરબાની રમઝટ બોલાવી હતી. કોઈ દીકરી એક હાથમાં બુલેટ તો બીજા હાથમાં તલવાર લઈને રાસની રમઝટ બોલાવી તો કોઈ મહિલાએ એક હાથમાં જીપનું સ્ટિયરિંગ અને બીજા હાથમાં ધારદાર તલવાર સાથે રાસની રમઝટ બોલાવી હતી.
રાજવી પેલેસમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના આ ગરબા મહોત્સવમાં તલવાર રાસ, જીપ રાસ અને બુલેટ રાસ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રાસ દરમિયાન સૌ કોઈને નારી શક્તિના સાક્ષાત દર્શન થયા હતા અને સૌ કોઈ આ રાસ-ગરબાના વખાણ કરી રહ્યા હતા. તલવાર રાસ જોવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા.