આપણું ગુજરાતનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાત-બિહાર સહિત 13 રાજ્યોમાં વિધાનસભાની પેટા-ચૂંટણી

નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા શનિવારે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી અને તેની સાથે જ ગુજરાત-મહારાષ્ટ્ર અને બિહાર સહિત 13 રાજ્યોની 26 બેઠક પર થનારી વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે 26 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવશે.

ગુજરાતની પાંચ બેઠકો વીજાપુર, ખંભાત, વાઘોડીયા, માણાવદર, પોરબંદર પર ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મેના રોજ મતદાન કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં આકોલા-પશ્ચિમ બેઠક પર બીજા તબક્કામાં 26 એપ્રિલે વિધાનસભાની પેટાચૂંટણી કરવામાં આવશે. બિહારની અગિઆંવ બેઠક પર સાતમા તબક્કામાં પહેલી જૂને મતદાન થશે. હરિયાણાની કરનાલ બેઠક પર છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ, ઝારખંડની ગાંડેય બેઠક પર પાંચમા તબક્કામાં 20 મેના રોજ, ત્રિપુરાના રામનગરમાં પહેલા તબક્કામાં 19 એપ્રિલે, ઉત્તર પ્રદેશની ચાર બેઠકો પર ચાર તબક્કામાં એટલે કે દદરૌલમાં ચોથા ચરણમાં 13 મેના રોજ, લખનઊ-પૂર્વ પર પાંચમા તબક્કામાં એટલે કે 20 મેના રોજ, ગૈસડીમાં છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ અને દુદ્ધી પર સાતમા તબક્કામાં એટલે કે પહેલી જૂને મતદાન થશે.

પશ્ચિમ બંગાળની બે બેઠકો પર બે તબક્કામાં મતદાન કરવામાં આવશે. ભગવાંગોલાની બેઠક પર ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ અને બારાનગરમાં સાતમા તબક્કામાં પહેલી જૂને મતદાન થશે.

તેલંગણામાં સિકંદરાબાદ-કેન્ટ બેઠક પર ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે. હિમાચલ પ્રદેશની છ બેઠક પર કુલ બે તબક્કામાં મતદાન થશે. ધર્મશાલામાં ચોથા તબક્કામાં 13 મેના રોજ અને લાહૌલ-સ્પિતી, સુજાનપુર, બડસર, ગાગરેટ અને કુટલૈહડની બેઠકો પર સાતમા તબક્કામાં પહેલી જૂને મતદાન થશે.

રાજસ્થાનના બાગીડોરામાં બીજા તબક્કામાં 26 એપ્રિલના રોજ, કર્ણાટકના શોરાપુરમાં ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ, તામિલનાડુમાં વિલાવાનકોડમાં પહેલા તબક્કામાં 19 એપ્રિલના રોજ મતદાન થશે.

ગુજરાતની વિજાપુરની બેઠક સી. જે. ચાવડાએ રાજીનામું આપતાં ખાલી પડી હતી. ખંભાત બેઠક ચિરાગ કુમાર પટેલે રાજીનામું આપતાં ખાલી પડી હતી. વાઘોડિયા બેઠક ધર્મેન્દ્ર વાઘેલાએ રાજીનામું આપતાં ખાલી પડી હતી. માણાવદરની બેઠક અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપતાં ખાલી પડી હતી, જ્યારે પોરબંદરની બેઠક અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપતાં ખાલી પડી હતી.

મહારાષ્ટ્રની આકોલા-પશ્ચિમની બેઠક પરથી ભાજપના વિધાનસભ્ય ગોવર્ધન શર્માના નિધનથી ખાલી પડી હતી. ચોથી નવેમ્બર-2023ના રોજ તેમનું નિધન થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button