આપણું ગુજરાત

માં જગદંબાને અતિપ્રિય એવું વિશેષ અષ્ટગંધાષ્ટક અત્તર માતાના મઢ મંદિરને અર્પણ કરાયું

ભુજ: કચ્છના કુળદેવી મા આશાપુરાના વિશ્વપ્રસિદ્ધ સ્થાન માતાના મઢ ખાતે અમદાવાદના જાણીતા જય ભોલે ગૃપે દેવીઓને પ્રિય એવા અષ્ટગંધાષ્ટક અત્તર અર્પણ કર્યું છે. અમદાવાદના આ ગૃપે શક્તિની આરાધનાના ચાલી રહેલા પર્વ નિમિત્તે રાજ્યના નવ શક્તિ મંદિરોમાં આ વિશિષ્ટ અત્તર અર્પણ કરવાનું આયોજન ઘડ્યું છે જે અંતર્ગત ચોથા નોરતે આશાપુરા મંદિરે પૂજારીને શાસ્ત્રોક્ત વિધિથી તૈયાર કરાયેલું અષ્ટગંધાષ્ટક અર્પણ કરવામાં આવ્યું હતું.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સહયોગથી આઠ જુદાં જુદાં સુગંધિત દ્રવ્યોમાંથી આ અત્તર બનાવાયું છે. આ માટે સાગના લાકડામાંથી ખાસ બોક્સ બનાવવામાં આવ્યું છે. જેમાં આઠ પ્રકારના અત્તરની બોટલોને રાખવામાં આવી છે તેમજ દરેક બોક્સ પર ગંધાષ્ટક શ્લોક લખવામાં આવ્યો છે. જય ભોલે ગૃપના દિપેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, શ્રીવિદ્યામાં ગંધાષ્ટકમનું વર્ણન મળે છે. જેમાં વર્ણવેલા આઠ પ્રકાર પ્રમાણે આઠ ગંધ એટલે કે ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, ઉશિર અને કુઠ નામની સુગંધ માં જગદંબાને અતિપ્રિય છે. નવરાત્રિના પવિત્ર પર્વ નિમિતે નવદુર્ગા સ્વરૂપને અષ્ટ ગંધાષ્ટક અર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું એ બદલ તેઓએ ધન્યતા અનુભવી હતી. માતાજી પ્રસન્ન થાય અને મા નવદુર્ગાના સૌ માઇભક્તોને આશીર્વાદ મળે એ જ આશયથી આ અત્તર અર્પણ કરવામાં આવી રહ્યું છે.

આ ગૃપ દ્વારા આશાપુરા અને અંબાજી મંદિર ઉપરાંત ઊંઝાના ઉમિયા મંદિર, અમદાવાદના ભદ્રકાલી મંદિર, અમદાવાદના માધુપુરાના અંબાજી મંદિર, પાવાગઢના મહાકાલી મંદિર, બહુચરાજીના બહુચર મંદિર, ચોટીલાના ચામુંડા મંદિર, ભાવનગરના આઈ ખોડિયાર મંદિર અને રૂપાલના વરદાયિની માતાજીના મંદિરે આ અત્તર અર્પણ કરાશે તેમ દિપેશભાઈએ ઉમેર્યું હતું.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button