“આવ્યા માના નોરતાં” ભુજના આશાપુરા મંદિરે હાથ ધરાયો હર્બલ સફાઈ શ્રમયજ્ઞ…

ભુજ: ચોમાસા બાદ હવે માતાજીના મહા આરાધના પર નવલા નોરતાં આવી રહ્યા છે ત્યારે કચ્છની નવરાત્રીના કેન્દ્રબિંદુ સમા ભુજના આશાપુરા મંદિર ખાતે હર્બલ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : નવરાત્રિના વાગ્યાં નગારાં: ઢોલ-નગારાં, તબલા, જાજ પખાજ જેવાં વાદ્યોના ભાવોમાં ૪૦ ટકાનો ઉછાળો
મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેના જણાવ્યા પ્રમાણે દર વર્ષે સમગ્ર મંદિર પરિસરની તેમજ મંદિરમાં બીજા બિરાજમાન માં આશાપુરાની મૂર્તિ,દાગીના,માના આસન એવા મયૂરાસન, ચાંદીના કમાડ,ઘંટ,અન્ય પૂજાપાની સામગ્રી, પ્રસાદના થાળ સહિતની પવિત્ર પૂજાપાની વસ્તુઓની હબલ સફાઈ કરવામાં આવે છે. આ હર્બલ સફાઈમાં બજારુ ફિનાઈલ, અન્ય જંતુનાશક દવાઓ કે એસિડ જેવી જણસોનો ઉપયોગ કરવાને બદલે આ સફાઈ કાર્ય પલાળેલા અરીઠાના પાણી, લીમડો-તુલસી અને લીંબુ જેવા પ્રાકૃતિક દ્રવ્યોની મદદથી આ સફાઈ કાર્ય સંપન્ન કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ભુજના સોની સમાજ દ્વારા છેલ્લા ૧૫૦ વર્ષોથી આ કાર્ય હાથ ધરે છે. સોની સમાજના અગ્રણીના જણાવ્યા પ્રમાણે આ પવિત્ર કાર્ય માટે સોની યુવકોની એક ખાસ ટુકડી બનાવાય છે જે સમગ્ર પરિસરની નવરાત્રી પૂર્વેના દિવસોમાં પ્રણાલીગત સફાઈ કરે છે. નવરાત્રીના પર્વના પ્રારંભ થવાની આડે હવે જયારે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે અત્યારથી જ ભુજના આશાપુરા મંદિરનો સમગ્ર વિસ્તાર ધમધમી ઉઠ્યો છે.મંદિરની બહાર પૂજાપા તેમજ પ્રસાદની મીઠાઈ વહેંચતા દુકાનદારોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
મંદિરની સામે આવી દુકાન ધરાવતા બટુક મહારાજના જણાવ્યા પ્રમાણે ભુજના પદયાત્રીઓ જયારે માતાના મઢ જવા પ્રસ્થાન કરે છે તે પહેલા તેઓ આ મંદિરે આચૂક દર્શન કરે છે. અત્યારથી જ માતાજીની ચૂંદડી, માતાજીની મૂર્તિ-છબી, માતાજીને પ્રિય એવા આશાપુરી ધૂપ જેવી પૂજાપાની ચીજ-વસ્તુઓના વેંચાણમાં ભારે ઉછાળો આવ્યો છે. સમગ્ર વિસ્તાર પર આશાપુરી ધૂપની મહેક પ્રસરી છે અને વાતાવરણ અવલોકિક બની જવા પામ્યું છે.