અષાઢી બીજે પણ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, હજુ પાંચ દિવસ વરસાદી માહોલ…

અમદાવાદ: ગુજરાતમાં અષાઢ મહિનાની શરૂઆતમાં જ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અષાઢી બીજે અનેક જિલ્લામાં પડશે વરસાદ
આવતીકાલે અષાઢી બીજના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે.
પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે
૨૮ જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. તે સિવાય ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને પવન ફૂંકાઈ શકે છે.
૨૯ જૂનથી લઈને ૧ જુલાઈ સુધી રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
આજે રાજ્યના ૧૫૯ તાલુકામાં વરસાદ
ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના ૧૫૯ તાલુકામાં વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર ૨૬ જૂનના રોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ૫.૩૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત સુરતના મહુવામાં ૪.૭૬ ઇંચ, વિસાવદરમાં ૪.૬૫ ઇંચ, ખેરગામમાં ૪.૧૭ ઇંચ, ચિખલીમાં ૪.૦૨ ઇંચ, તાલાળામાં ૩.૯૮ ઇંચ, બારડોલીમાં ૩.૪૬ ઇંચ, કામરેજમાં ૩.૧૯ ઇંચ, કલ્યાણપુરમાં ૩.૧૯ ઇંચ, રાણાવાવમાં ૩.૧૫ ઇંચ, પારડી ૩.૧૧ ઇંચ પડ્યો હતો.
આપણ વાંચો :ગુજરાતમાં અષાઢના પ્રારંભે મેઘમહેરઃ ૧૫૯ તાલુકા વરસાદથી તરબોળ, માળિયા હાટીનામાં વધુ વરસાદ…