આર્ય સમાજ નવી ઊર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે: વડા પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતી અન્વયે ટંકારા ખાતે ભવ્યાતિભવ્ય જન્મોત્સવ-સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના બીજા દિવસે આર્ય સમાજના સંસ્થાપક અને મહાપુરુષ દયાનંદ સરસ્વતીને સ્મરણાંજલિ અર્પણ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ય સમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વામી દયાનંદજીની ૨૦૦મી જન્મજયંતીએ મારા માટે ટંકારા પહોંચવું સંભવ ન હતું, પરંતુ હું મન, હ્રદયથી તમારી વચ્ચે જ છું. સ્વામીજીના યોગદાનો યાદ કરવા આર્ય સમાજ આ મહોત્સવ મનાવી રહ્યો છે એ વાતનો મને ખૂબ જ આનંદ છે. આ આયોજન નવી પેઢી માટે દયાનંદજીના જીવનથી પરિચિત થવાનું માધ્યમ બનશે એવો મને વિશ્ર્વાસ છે. જીવનમાં દયાનંદજીના પ્રભાવ વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઈતિહાસમાં કોઈ એવો દિવસ, પળ કે ક્ષણ હોય છે જે ભવિષ્યની દિશા બદલી શકે છે. સ્વામી દયાનંદજીનો જન્મ પણ આવી જ અભૂતપૂર્વ ક્ષણ હતી. સમાજનો એક વર્ગ જયારે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યો હતો ત્યારે દયાનંદજીએ ‘વેદો તરફ પાછા વળો’નો મંત્ર આપી રૂઢિઓ પર પ્રહારો કર્યા હતા, જેના કારણે આજે લોકો વૈદિક ધર્મને જાણતા અને અનુસરતા થયા છે. આજે દેશ-દુનિયામાં આર્ય સમાજની ૨.૫ હજાર સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ તથા ૪૦૦થી વધારે ગુરુકુળોમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
આર્ય સમાજ ૨૧મી સદીમાં નવી ઊર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે એજ દયાનંદજીને સાચી શ્રદ્ધાંજલિ હશે. આર્ય સમાજના વિદ્યાલયો, કેન્દ્રો સમાજને જોડી લોકલ ફોર વોકલ, આત્મનિર્ભર ભારત, પર્યાવરણ માટે પ્રયાસ, જલ સંરક્ષણ, સ્વચ્છ ભારત અભિયાન, મિશન લાઇફ, મિલેટ્સ અન્ન પ્રોત્સાહન, યોગ વગેરેમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે.