સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેવડિયા જંગલ સફારી પાર્કમાં સફેદ સિંહ સહિત નવા પ્રાણીઓનું આગમન

નર્મદા: Statue of Unity ખાતે 375 એકર જમીનમાં પથરાયેલું વિશાળ ઝૂઓલોજીકલ પાર્ક જેને જંગલ સફારી પાર્ક પણ કહેવાય છે, તે મુલાકાતીઓની મનપસંદ જગ્યા છે. સ્ટેચ્યુની મુલાકાત લેનારા પ્રવાસીઓ અચૂક જંગલ સફારીની મજા માણે છે, ત્યારે તાજેતરમાં જ અહીં નવા પ્રાણીઓનું આગમન થયું છે. દુબઇથી આફ્રિકન સફેદ સિંહ અને સિંહણ, 2 જેગુઆર અને ઉંરાંગ ઉટાંગ પ્રજાતિના વાનરને લાવવામાં આવ્યા છે.

આ વિશે વધુ માહિતી આપતા Statue of Unityના સીઇઓ ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયામાં આ ઉંરાંગ ઉટાંગ પ્રજાતિના વાનરો જોવા મળે છે. જ્યારે અમેરિકાના એમેઝોન જંગલમાંથી જેગુઆર હિંસક પ્રાણીની પ્રજાતિ મળી આવે છે, અને સાઉથ આફ્રિકામાં સફેદ સિંહ જોવા મળે છે. આ ત્રણેય પ્રજાતિ ભારતમાં જોવા મળતી નથી. એટલે કેવડિયા જંગલ સફારીમાં આ ત્રણેય પ્રાણીઓ લાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં પ્રવાસીઓને આ પ્રાણીઓ જોવા મળશે.

ગુજરાતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાનું એક એટલે Statue of Unity અને કોઇપણ નવું આકર્ષણ ઉમેરાય એટલે તરત પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે. હાલમાં જ નવા વર્ષની રજાઓ તેમજ ક્રિસમસ વેકેશનમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સફારી પાર્કની મજા એ છે કે 1500થી વધુ દેશી અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લા મોટા બેરેકમાં મુકવામાં આવ્યા છે અને સમયાંતરે નવા પશુઓ-પક્ષીઓનો જંગલ સફારીમાં ઉમેરો કરવામાં આવે છે.
આ ત્રણેય પ્રાણીઓ વિલુપ્ત થઇ રહેલી જાતિના છે. એવામાં આ જાતિઓનું સંવર્ધન અને સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. કેવડિયા જંગલ સફારી ખાતે આ બાબતોનો વિશેષ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે તેમ ઉદિત અગ્રવાલે ઉમેર્યું હતું.