ઈરાની ગેંગના બે આરોપીની ધરપકડ: ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આચર્યા છે ગુના
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં 100થી વધુ ગુનાઓ આચરી ચૂકેલી કુખ્યાત ઈરાની ગેંગના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ પોલીસ હોવાનાઈ ઓળખ આપીને લોકોને ઠગતા હતા. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ આરોપીઓ 20થી વધુ ગુનાને અંજામ આપી ચૂક્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિરમગામ પોલીસ જ્યારે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે તેમને નંબર પ્લેટ વગરની એક ચોરાયેલી બાઈક મળી આવી હતી. બાઇક પર સવાર મુસ્તફા જાફરી અને શાખી જાફરીને પોલીસે તપાસ માટે રોક્યા હતા. પોલીસ તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી નકલી પોલીસ આઈડી કાર્ડ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બંને આરોપીને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી હતી, તે દરમિયાન મુસ્તફા જાફરી અને શાખી જાફરી ઈરાની ગેંગના સભ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે બંને આરોપીને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી હતી, પોલીસ તપાસમાં કુખ્યાત ઈરાની ગેંગ દ્વારા ગુજરાતમાં 20 થી વધુ ગુનાને અંજામ આપવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. તે ઉપરાંત આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીઓએ ગુજરાત, મુંબઇ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આ ગેંગ દ્વારા 100થી વધુ ગુના આચર્યા છે. ગુનાને અંજામ આપવા માટે આરોપીઓ ફ્લાઇટથી અવરજવર કરતા હોવાનું પણ ખૂલ્યું છે.