આપણું ગુજરાત

ગરીબોના અનાજને સગેવગે કરવાના કૌભાંડમાં ભાજપના કાઉન્સિલરની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ખેડા જિલ્લાના નડિયાદમાં ગરીબોના અનાજને સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. નડિયાદના અમદાવાદી બજાર બહાર આવેલી સસ્તા અનાજની દુકાન પર પુરવઠા વિભાગની વિજિલન્સ ટીમે દરોડો પાડ્યો હતો. મોટાપાયે ગેરરીતિ થતી હોવાની માહિતીના આધારે પાડવામાં આવેલા દરોડામાં નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી.

શહેર મામલતદાર દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલક સંજય સચદેવ અને કોમ્પ્યુટર ઓપરેટર રાજવીર છાસટીયા વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ગરીબોનું અનાજ સગેવગે કરવાનો પર્દાફાશ થતા ખેડા જિલ્લા ભાજપે સંજય સચદેવને ભાજપના તમામ હોદ્દા પરથી દૂર કરી દીધા હતા. પોલીસે સંજય સચદેવ અને ઓપરેટર રાજવીર છાસટીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન દુકાનમાંથી બોગસ ફિંગર પ્રિન્ટ મશીન અને અન્ય એક સોફ્ટવેર મળી આવ્યું હતું. જેના થકી સસ્તા અનાજના કાળો કારોબાર ચલાવાતો હતો. સ્ટેટ પુરવઠા વિભાગના દરોડામાં ડમી ફિંગરપ્રિન્ટના આધારે કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો બહાર આવી હતી.

દુકાનમાંથી મળી આવેલ લેપટોપમાં તેમજ પેનડ્રાઇવમાં તપાસ કરતા શકાસ્પદ અંદાજિત ૩૧૬ ફિંગર પ્રિન્ટ ઇમેજિસ તથા માય ડેટા નામની મોબાઇલ એપ્લિકેશનના સ્ક્રીનશોટની અંદાજીત ૨૧૭૧ ફિંગરપ્રિન્ટ ઇમેજિસ મળી એમ કુલ અંદાજિત ૨૪૮૭ ફિંગરપ્રિન્ટ તસવીરો મળી આવી હતી. તેમ જ દુકાનમાથી વધારાના ૨૩ રેશનકાર્ડ, એક ચૂંટણીકાર્ડ,ચાર આધારકાર્ડ, ૧ લેપટોપ, ૩ મોબાઈલ, મંત્રા ડિવાઇસ અને પેનડ્રાઈવ મળી આવ્યા હતા. તમામ શંકાસ્પદ સામગ્રી કબજે લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button