આપણું ગુજરાત

કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા, પણ હાંસિયામાં ન ધકેલાયા; જાણો કેમ અર્જુન મોઢવાડિયા બન્યા હાઈકમાન્ડના માનીતા?

ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં મૂળ અને કુળ બંને એક જ પક્ષના હોય તેના બદલે પોતાની મૂળ પાર્ટીમાંથી છેડો ફાડીને અન્ય પાર્ટી અને ખાસ કરીને સત્તાધારી ભાજપ સાથે નવો છેડો બાંધનારા નેતાઓ ચર્ચાના કેન્દ્રમાં છે. ઘણા નેતાઓ પોતાની મૂળ પાર્ટીથી છેડો ફાડીને મોટે ઉપાડે ભાજપમાં આવેલા પરંતુ કઇ ખાસ ઉપજાવી શક્યા નહિ અને છેડે તો હાંસિયામાં ધકેલાઇ ગયા. પરતું આ યાદીમાં એક નેતાનું નામ શામેલ કરી શકાય તેમ નથી અને તે છે મૂળ કોંગ્રેસી અને હાલ ગુજરાત સરકારના પ્રધાન અર્જુન મોઢવાડિયા.

ગુજરાતના રાજકારણમાં હાલ અર્જુન મોઢવાડિયાની દિલ્હીમાં વધતી જતી મજબૂત પકડ ચર્ચાના કેન્દ્રમાં છે. ભાજપ તેમને રાજ્યના એક પ્રભાવશાળી ‘માસ લીડર’ તરીકે આગળ કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે. સામાન્ય રીતે પીએમ મોદી અને અમિત શાહની જોડી ક્યારેય જાહેરમાં બોલીને કંઈ કહેતી નથી, પરંતુ તેમની કાર્યશૈલી અને કોઈ નેતાને અપાતું મહત્વ જ પક્ષના કાર્યકરો અને વિરોધીઓ માટે પૂરતું હોય છે. ઉત્તરાયણ જેવા પારિવારિક પ્રસંગે અમિત શાહનું મોઢવાડિયાની સાથે દેખાવું એ માત્ર એક સામાન્ય મુલાકાત નથી, પરંતુ હાઈકમાન્ડના વિશ્વાસનો એક મોટો સંદેશ છે.

ભાજપ હાઇકમાન્ડ આ પ્રકારના ઇશારાથી પાયાના કાર્યકરોને એ સમજાવવા માંગે છે કે નવા આવેલા આ નેતા હવે પક્ષના અભિન્ન અંગ અને ભરોસાપાત્ર સાથી છે. ઘણીવાર નવા નેતાઓના આગમનથી જૂના કાર્યકરોમાં જે થોડો ઘણો રોષ કે અસંતોષ હોય છે, તેને શાંત કરવા માટે અમિત શાહ સાથેની આવી તસવીરો એક મજબૂત ઈલાજ સાબિત થાય છે. જે નેતાઓ પક્ષની વિચારધારા સાથે ઝડપથી ભળી જાય છે અને જેમનામાં લોકોનું સમર્થન મેળવવાની ક્ષમતા છે, તેમને પક્ષ હંમેશા પ્રોત્સાહન આપે છે. અમિત શાહે જે રીતે મોઢવાડિયાને મહત્વ આપ્યું છે, તે ભાજપની ‘નવી પેઢી’ના રાજકારણ માટે પણ એક સૂચક સંકેત છે.

બીજી તરફ, ભાજપની રણનીતિ એવી પણ રહી છે કે જે નેતાઓ પક્ષમાં જોડાયા પછી પોતાની જૂની કાર્યશૈલી બદલી શકતા નથી, તેમને ધીમે-ધીમે મુખ્ય પ્રવાહથી દૂર કરી દેવામાં આવે છે. પરંતુ અર્જુન મોઢવાડિયાએ જે રીતે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા બાદ પોરબંદરની પેટાચૂંટણી જીતી બતાવી, તેણે તેમનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. રાજકારણમાં જ્યારે અમિત શાહ કોઈ નેતાની પડખે ઊભા રહે, ત્યારે મેસેજ એકદમ સ્પષ્ટ હોય છે કે પક્ષમાં કોનું મહત્વ વધવાનું છે. હાલમાં જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે રાજ્યના પ્રધાન મંડળના વિસ્તરણમાં મળેલું સ્થાન એ અર્જુન મોઢવાડિયાના વધતા જતા પ્રભાવ અને પક્ષમાં મળતા મહત્વને દર્શાવે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button