ગાંધીનગરમાં ૬૨ નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપકોને નિમણૂક પત્ર એનાયત કરાયા
રાજ્ય આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે એનાયત કરાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને જી.પી.એસ.સી. દ્વારા પસંદગી પામેલા મદદનીશ અધ્યાપકોને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના કુલ ૬૨ મદદનીશ પ્રાધ્યાપકોને નિમણૂક પત્ર અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
નવનિયુક્ત ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતનું શિક્ષણ ગુજરાતના વિદ્યાર્થીઓને વિશ્ર્વકક્ષાએ ગૌરવભેર ઊભા રહેવાની ક્ષમતા આપે છે અને પરિણામે આજે ગુજરાત વિશ્વકક્ષાએ પોંખાતું થયું છે, જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. આ ક્ષમતામાં વધારો કરવા, ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ઉત્તમ માળખાકીય સુવિધા પૂરી પાડવી અને એમાં સક્ષમ અધ્યાપકોની સત્વરે નિમણૂક કરવી એ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. આજે એ જ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા જી.પી.એસ.સી. દ્વારા પસંદગી પામેલા મદદનીશ પ્રાધ્યાપકોને નિમણૂક આપવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત પ્રાધ્યાપકો પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને તેમને યોગ્ય રાહે દોરી એક શિક્ષકથી વધુ ગુરુનો દરજ્જો મેળવશે, તેવો પ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષણથી વિશેષ કોઈ સેવા નથી અને વિદ્યાદાન સર્વ દાન કરતાં શ્રેષ્ઠ છે. આપ સૌ ભાગ્યશાળી છો કે શિક્ષણ તમને સેવારૂપે પ્રાપ્ત થયું છે. નવા પ્રાધ્યાપકો વિદ્યાના પ્રકાશ થકી અનેક વિદ્યાર્થીઓનાં જીવનને નવી રાહ આપે, તેવી પટેલે શુભકામનાઓ પાઠવી હતી. અંતમાં પ્રધાને સૌને દીપાવલિના પાવન પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જી.પી.એસ.સી. દ્વારા મદદનીશ પ્રાધ્યાપક તરીકે પસંદગી પામેલા ઉમેદવારો પૈકી આંકડાશાસ્ત્રના ૧૧, હિન્દીના ૨૧, ગણિતશાસ્ત્રના ૧૧, વાણિજ્યના ૧૬, અર્થશાસ્ત્રના ૦૨ અને ગુજરાતીના ૦૧ મળી કુલ ૬૨ મદદનીશ પ્રાધ્યાપકોને નિમણૂક આપવામાં આવી છે. ઉ