ગીર જંગલ સિવાય પણ સાવજોને મળશે કાયદેસરના નવા રહેઠાણો
ગાંધીનગરઃ એશિયાટિક લાયન માટે ગુજરાતનું સાસણ ગીરનું જંગલ વિશ્વ વિખ્યાત છે, પરંતુ સિંહની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેઓ જંગલની બહાર પણ જોવા મળે છે. રોજબરોજ સિંહના ગ્રામ્ય વિસ્તારોમાં ટહેલવાના વીડિયો-અહેવાલો આવતા રહે છે. આ વાતને ધ્યાને ધરી કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રોજેક્ટ લાયન@2047 હાત ધર્યો છે. આ અંતર્ગત એક બેઠક આજે સાસણ ખાતે સિંહસદનમાં યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી એન.શ્રીવાસ્તવના જણાવ્યાનુસાર, એશિયાટીક સિંહો સતત નવા નવા વિસ્તારમાં આવાસ શોધી રહ્યા છે.
કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ લાયન- ‘લાયન@૨૦૪૭: અ વિઝન ફોર અમૃતકાલ’ હેઠળ આ સિંહો માટે નવો રહેણાંક વિસ્તાર જ્યાં તેઓ વારંવાર દેખા દે છે તેમને પણ વધુ માળખાગત સુવિધાઓથી સજ્જ કરવા અને જળસ્ત્રોત ઉભા કરવા અને કુદરતી વિસ્તાર સમાન રહેણાંક વિસ્તાર પસંદ કરવા વગેરે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમજ વિવિધ સ્થાનિક વિભાગો અને જનભાગીદારીથી જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરી ગીર જંગલ સિવાયનો વિસ્તાર પણ સિંહોનો કાયદેસરનો વિસ્તાર બનશે.
ગીર જંગલમાં સિંહોની વસ્તી વર્ષ ૨૦૧૫માં ૫૨૩ હતી. જે વર્ષ ૨૦૨૦માં પંચવર્ષીય ગણતરી મુજબ વધીને ૬૭૪ થઈ છે. જે રીતે આસામમાં પ્રોજેક્ટ એલીફન્ટ, બંગાળમાં પ્રોજેક્ટ ટાઈગર અને ઉત્તર ભારતના જંગલોમાં પ્રોજેક્ટ રાઈનોઝ અમલમાં છે તે રીતે સૌરાષ્ટ્રના ગીર જંગલમાં વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહ ગીરના જંગલ વિસ્તારની બહાર પણ એશિયાઈ સિંહો વસવાટ કરે અને તેમનું સંવર્ધન અને સંરક્ષણ કરવું પણ જરૂરી બને એવા શુભહેતુસર પ્રોજેક્ટ લાયન તૈયાર કરવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતની શાન સમા સિંહો આવાસની શોધમાં સતત વિસ્તારનો વધારો કરી રહ્યાં છે. જ્યાં હવે સાવરકુંડલા અને મોટા લિલિયા જેવા ક્ષેત્રમાં સિંહ દેખા દે છે. આ સિંહના સંરક્ષણ-સંવર્ધન સહિતની કામગીરી માટે આવતા ૧૦ વર્ષ સુધીમાં અંદાજીત રૂ. ૨૯૨૭.૭૧ કરોડના ખર્ચે ‘પ્રોજેક્ટ લાયન’ અંતર્ગત સિંહોના સંવર્ધન માટે વિવિધ માળખાકિય સુવિધાઓ ઉપરાંત લાયન સેલ, વાઈલ્ડલાઈફ ડિસિઝ ડાયગ્નોસ્ટિક રિસર્ચ એન્ડ રેફરલ સેન્ટર, કેટલીકવાર સિંહો અકસ્માતે મૃત્યુ પામે છે તો આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સુરક્ષાનું માળખું વધુ સુદ્રઢ કરાશે.