તમારા બાળકોની સ્કૂલબેગમાં બુક્સ સિવાય આ પણ હોઇ શકે, ચેક કર્યું છે કદી?
સુરત: યુવાનોમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે તેના સમાચાર તો તમે અવારનવાર વાંચ્યા જ હશે, પરંતુ સ્કૂલના બાળકો પણ હવે નશાના રવાડે ચડી રહ્યા છે. સુરતમાંથી વાલીઓની આંખ ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંડેસરા વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા કેટલાક બાળકોના દફતરમાંથી નશા માટે ઉપયોગમાં લેવાતી સોલ્યુશન ટ્યૂબ મળી આવી હતી, જેના પગલે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
અહીં એવું કહેવાનો બિલકુલ પ્રયાસ નથી કરી રહ્યા કે સોલ્યુશન ટ્યૂબ મળવાનો અર્થ એ થાય કે બાળકો વ્યસન જ કરતા હોય, પરંતુ આ ઘટનામાં કેટલાક સ્થાનિકોએ બાળકો નશો કરી રહ્યા હોવાની પોલીસને ફરિયાદ કરી હતી, અને પોલીસ અધિકારીએ પણ હરકતમાં આવી જઇ બાળકો તથા માતાપિતાને પૂછપરછ કરી છે. આમ, એક પ્રકારે વાલીઓ માટે આ ઘટના ચોક્ક્સપણે લાલબત્તી સમાન છે. બાળકોના સ્કૂલબેગમાં નજર રાખવી જ પૂરતી નથી, તેઓ ક્યાં કોની સંગતમાં છે, શું કરી રહ્યા છે તે અંગે પણ સતત ધ્યાન રાખવું એ આજના સમયમાં જરૂરી બની ગયું છે.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ સુરતની ગેલેક્સી આર્મી શાળામાં અભ્યાસ કરતા 2 બાળકો ટ્યૂબથી નશો કરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેને પગલે સ્થાનિકોએ તેમના વાલી તથા પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને માતાપિતા તથા બંને બાળકોનું કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. બાળકોની સ્કૂલબેગમાંથી 4 સોલ્યુશન ટયૂબ, પાના-પકડ સહિતની વસ્તુઓ મળી આવી હતી. વાઇરલ વીડિયોને પગલે ચોક્કસપણે એવું ફલિત નહોતું થયું કે તેઓ નશો કરી જ રહ્યા હોય, પરંતુ સ્થાનિકોની ફરિયાદને કારણે પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.