‘નોટ પર મારો ફોટો….!’ નકલી નોટ્સ પર પોતાનો ફોટો જોઈ અનુપમ ખેરે આશ્ચર્ય વ્યક્ત કર્યું
મુંબઈ: અમદાવાદમાં છેતરપિંડીનો એક ચોંકાવનારી ઘટના જાણવા મળી છે, ઠગે અમદાવાદના એક વેપારીને રૂ.1.6 કરોડની નકલી નોટના બંડલ પકડાવી દીધા હતાં. રૂ.500ની કરેન્સી નોટ પર મહાત્મા ગાંધીની નહીં પણ બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેરની તસવીર છપાયેલી જોવા મળી હતી. આ નોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, લોકો આ મામલે સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી રહ્યા છે. આ મામલે ખુદ અનુપમ ખેરે એક પોસ્ટ શેર કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
નકલી નોટો પર ગાંધીજીને બદલે પોતાનો ફોટો જોતા અનુપમ ખેરને આશ્ચર્ય થયું, અનુપમ ખેરે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “₹500ની નોટ પર મહાત્મા ગાંધીના બદલે મારો ફોટો??? કુછ ભી હો સકતા હૈ (કંઈ પણ થઈ શકે છે) “
અનુપમ ખેરે નકલી નોટોની રિકવરી અંગેના અહેવાલનો વીડિયો પણ શેર કર્યો હતો.
બુલિયન ટ્રેડર મેહુલ ઠક્કરે 24 સપ્ટેમ્બરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે ₹1.6 કરોડના મૂલ્યના 2,100 ગ્રામ સોનાના સોદા માટે તેના એક કર્મચારીનો શંકાસ્પદ લોકો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. બાકીના ₹30 લાખ બીજા દિવસે ચૂકવવાનું વચન આપીને કેટલાક શખ્સોએ ₹1.3 કરોડ રોકડા પહોંચાડ્યા. જો કે, સોનું સોંપ્યા પછી, તેઓ ગાયબ થઈ ગયા, અને વેપારી મળેલી બધી નોટો નકલી હોવાનું જાણવા મળ્યું હતું.