આપણું ગુજરાત

હવે કચ્છથી ઝડપાયો મુન્નાભાઈઃ નિષ્ણાત તબીબની જેમ ગંભીર બીમારીઓની સારવાર કરનારો બોગસ તબીબ માધાપરમાંથી ઝડપાયો

ભુજ ઃ ગુજરાતમાં બૉગસ આઈએએસ સહિતના અધિકારીઓ મળી આવવાની વણઝાર રોકાતી નથી તેવામા બૉગસ ડોક્ટર મળી આવવાનો સિલસિલો તો યથાવત જ છે. ડોક્ટરો બૉગસ મળી આવવા વધારે જોખમકારક છે કારણ કે તેઓ દરદીઓના જીવન સાથે ખેલ ખેલે છે. ગુજરાતમાં હજારો લેબોરેટરી ગેરકાયદે ચાલતી હોવાના અહેવાલો વચ્ચે હવે કચ્છથી બૉગસ ડોક્ટર મળ્યાના અહેવાલ આવ્યા છે.

વીતેલા માત્ર ૨૨ મહિનામાં પોલીસે વગર ડીગ્રીએ દર્દીઓની ચાકરી કરતા ૩૦થી વધારે બોગસ તબીબોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી ત્યારે ફરી માધાપર નવા વાસમાં એશ્વર્ય નગર ખાતે માન્ય ડિગ્રી વગર દવાખાનું અને મેડિકલ સ્ટોર ચલાવતા ઉત્તર પ્રદેશના બોગસ તબીબને સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ઝડપી પાડ્યો હતો.

મૂળ યુપીના વતની ૩૪ વર્ષિય જગદીશસિંઘ રાજારામ પટેલ (રહે. હર્ષલ પાર્ક, ગ્રીનસીટી સોસાયટી)એ વર્ષોથી પોતાની પત્નીના નામે ‘આરતી ક્લિનીક’ શરૂ કર્યું હતું અને એક નિષ્ણાત તબીબની જેમ હ્રદયરોગ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ડેંગ્યુ જેવી ‘લાઈફ થ્રેટનીંગ’ બીમારીઓના દર્દીઓની સારવાર કરતો હતો.

પોલીસે પાડી રેડ અને જોયું કે…

પૂર્વ બાતમીના આધારે રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને ઈન્ચાર્જ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન તળે એલસીબીના પી.આઈ સંદિપસિંહ ચુડાસમાએ મેડિકલ ઑફિસરને સાથે રાખીને દરોડો પાડ્યો ત્યારે હોસ્પિટલમાં બાટલાં ચઢાવીને સારવાર મેળવી રહેલાં એક ૧૩ વર્ષના બાળક સહીત ચાર દર્દી અને એક ઓપીડી દર્દી સહિત પાંચ દર્દી મળી આવ્યાં હતાં. જેમાંથી ત્રણ દર્દીએ પોતે ડેંગ્યુની સારવાર માટે આવ્યાં હોવાનું જણાવ્યું હતું.

નિષ્ણાતોની જેમ આ ઊંટવૈદ્ય દર્દીઓના બ્લડ સેમ્પલ મેળવી ટેસ્ટ કરાવવા લેબોરેટરીમાં પણ મોકલતો હતો. હોસ્પિટલમાંથી વિવિધ પ્રકારની એન્ટિબાયોટીક અને એલોપેથિક દવાઓ સાથે સૂચર (ટાંકા લેવા માટે વપરાતા ખાસ દોરાં) અને વાઢકાપ માટેના વિવિધ પ્રકારના ફોરસેપ્સ પણ મળી આવ્યાં છે.

અગાઉ કમ્પાઉન્ડર તરીકે કરતો હતો કામ

આ ‘નિષ્ણાત તબીબ’ અગાઉ ભુજમાં એક જાણીતા ફિઝિશિયનની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાંથી છુટ્ટો થઈને આ દવાખાનું ખોલ્યું હતું. ભયાનક કોરોના કાળ વખતે આ તબીબે મજબુર લોકોની ગરજનો લાભ લઈને આંધળી કમાણી કરી હોવાનું જાણવા મળ્યું છે.

જગદીશે પોતાના દવાખાનામાં ઈન્ડિયન બૉર્ડ ઑફ ઑલ્ટરનેટીવ મેડિસીન્સ નામની પશ્ચિમ બંગાળની કોઈ કથિત સંસ્થામાંથી ઑલ્ટરનેટીવ સિસ્ટમ ઑફ મેડિસીન્સમાં બેચલરની ડિગ્રીનું પ્રમાણપત્ર લેમિનેટેડ છબીમાં લટકાવી રાખ્યું હતું. આ પ્રમાણપત્રના આધારે તે પોતાની ડિગ્રીમાં BASM લખી લોકોને ભરમાવતો હતો. યુપી, બિહાર, બંગાળ બાજુ અનેક બોગસ સંસ્થાઓ બે-પાંચ હજાર રૂપિયામાં આવા નકલી ડિગ્રી સર્ટીફિકેટ કાઢી આપે છે. વક્રતા એ છે કે જગદીશને તેની ડિગ્રીનું આખું નામ બોલતાં જ આવડતું નહોતું!


Also read: હનીટ્રેપ પ્રકરણમાં મનીષા ગોસ્વામીનો ફરાર પતિ ઝડપાયો


નકલી ડૉક્ટર સાથે નકલી ફાર્મસિસ્ટ પણ પકડાયા

પોલીસની તપાસમાં આ નકલી ડૉક્ટરે ભુજના સેજવાળા માતમમાં રહેતા નઈમ આલમ સમા નામના ફાર્માસિસ્ટના લાયસન્સ પર મેડિકલ સ્ટોર પણ શરૂ કર્યો હોવાનો અને વતનથી લઈ આવેલા ૧૨ ચોપડી પાસ મહેન્દ્ર જગદીશ પટેલ નામના છોકરાને નોકરીએ રાખ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું!.

પોલીસે નઈમને બોલાવી તેની પાસે અધિકૃત પ્રમાણપત્રો માંગતા તેની પાસે કોઈ પ્રમાણપત્ર નહોતું. સરકારી નિયમ મુજબ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ જ દવાઓ આપી શકે છે. જેથી, પોલીસે બોગસ ડૉક્ટર સાથે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા મહેન્દ્ર અને નઈમની પણ ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન અને વિવિધ દવાઓ, મેડિકલ સાધનો વગેરે મળીને ૨૩૫૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે વિરુધ્ધ ભારતીય ન્યાયસંહિતાની કલમ ૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦, ૩૩ હેઠળ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Also read: ખ્યાતિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા: વધુ પાંચ આરોપીઓની કરી ધરપકડ


દાયકા અગાઉ કચ્છને તારાજ કરનારા મહાભુકંપ બાદ આ સરહદી જિલ્લામાં સતત વધી રહેલાં ઔદ્યોગિકીકરણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં હંગામી ઝુંપડપટ્ટીઓ અને લેબર કોલોનીઓમાં મોટી સંખ્યામાં પેટિયું રળવા આવેલા પરપ્રાંતીય લોકોની અજ્ઞાનતા તથા સરકારી દવાખાનાઓમાં વર્તાઈ રહેલી તબીબોની ભારે અછતનો લાભ ખાટવા વરસામેડી, મેઘપર, વરસાણા, પડાણા અને ભુજ આસપાસના વિસ્તારોમાં ડિગ્રી વગરના બોગસ તબીબોના સંખ્યાબંધ હાટડા આરોગ્ય વિભાગના આંખ મિચામણાંના કારણે મોટી સંખ્યામાં ધમધમી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સરકાર અને પોલીસ ખાતા સાથે નાગરિકો પણ થોડી સતર્કતા રાખે તે જરૂરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button