ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના ભરતી મેળામાં જોડાવા માટે લાઈન લગાવી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું આપશે તેવી અટકળોએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું હતું, જો કે આજે સાંજે મોઢવાડિયાના રાજીનામા બાદ અટકળોનો અંત આવી ગયો છે. અંતે અર્જુન મોઢવાડિયાએ પણ પંજાનો સાથ છોડી દીધો છે. તેમણે આજે સોમવારે સાંજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું?
અર્જુન મોઢવાડિયાએ રાજીનામાના પાછળ કોંગ્રેસ દ્વારા રામ મંદિરના આમંત્રણનો અસ્વીકારને મોટું કારણ ગણાવ્યું હતું. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. જેમાં તેમણે રામ મંદિરના આમંત્રણને નકારવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ આમંત્રણને નકારીને ભગવાન રામનું અપમાન કર્યું છે. આસામમાં રાહુલ ગાંધીએ જે રીતે વર્તન કર્યું તેનાથી ભારતના લોકોનું અપમાન થયું છે.
કેવી રહી મોઢવાડિયાની કોંગ્રેસ સાથેની સફર?
અર્જુન મોઢવાડિયાએ વર્ષ 1997માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જૂન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી. અર્જુન મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ મેર સમાજના મોટા અગ્રણી મનાય છે.