અમદાવાદમાં વધુ એક અકસ્માત, દહેગામ-નરોડા રોડ પર નશામાં ધૂત કારચાલકે એક્ટિવાને ટક્કર મારતાં બે લોકોનાં મોત

Ahmedabad News: અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા. નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં બંનેના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. ગત મોડી રાત્રે અમદાવાદ નરોડા-દહેગામ રોડ પર એણાસણ ગામ નજીક એક્ટિવા પર બે યુવકો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન નશાયુક્ત હાલતમાં કાર ચલાવી રહેલા ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જતી રહી હતી. આ સમયે એક્ટિવા પર પસાર થઈ રહેલા બે યુવકને ટક્કર મારતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
ઘટનાના સીસીટીવી પણ આવ્યા સામે
અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. લોકોના જણાવ્યા મુજબ કાર ચાલક નશામાં ધૂત હતો અને લથડીયા ખાતો હતો. અકસ્માત સર્જ્યા બાદ લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…પાટણ બાળ તસ્કરી મામલે શું થયો મોટો ઘટસ્ફોટ?
પોલીસે શું કહ્યું
ઘટના અંગે પોલીસે જણાવ્યું કે કારચાલક દારૂના નશામાં હતો. દહેગામ-નરોડા તરફ જતી વખતે કારચાલકે રસ્તામાં રિક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે કાર ડિવાઈડર કૂદાવીને સામેની તરફ જતી રહી હતી અને એક્ટિવા સાથે ધડાકાભેર અથડાઈ હતી. બનાવમાં બંનેના સ્થળ પર જ મોત થયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
થોડા દિવસ પહેલાં અમદાવાદના બોપલ-આંબલી રોડ પર રિપલ પંચાલ નામના નબીરાએ નશો કરી અકસ્માત સર્જયો હતો. જેમાં સાતથી આઠ વાહનોને નુકસાન થયું હતું. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી.