ગુજરાતમાં 15 સીટો માટે ઉમેદવારોની ઘોષણા, કેવો રહેશે ભાજપ v/s કોંગ્રેસનો જંગ? જાણો
દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે. ભાજપે પણ તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં 195 લોકસભા સીટો માટે ઉમેદાવારો જાહેર કર્યા છે. જેમાં સૌથી વધુ યુપીની 24 અને પશ્ચિમ બંગાળની 20 લોકસભા સીટોના ઉમેદવારોની જાહેરાત થઈ છે. ભાજપના પ્રથમ લિસ્ટમાં 28 મહિલાઓ, 57 ઓબીસી, અને એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. આ વખતે મુખ્યત્વે ઈન્ડિયા ગઠબંધન તરફથી કાટાંની ટક્કરને જોતા ભાજપે નવા અખતરા કરાવાનું ટાળ્યું છે અને જીતી શકે તેવા મજબુત ઉમેદવારોને જ ટિકિટ આપી છે. ભાજપે ગુજરાતની 26 લોકસભાની સીટો માંથી 15 સીટો માટે ઉમેદવારોની ઘોષણા કરી છે.
5 સાંસદોનું પત્તુ કપાયું
ગુજરાતમાં ભાજપના 10 સિટિંગ સાંસદોમાંથી 5 સાંસદોનું પત્તુ કપાયું છે. આ સાંસદોમાં પરબત પટેલ (સાબરકાંઠા), કિરીટ સોલંકી (અમદાવાદ પશ્ચિમ) મોહન કુંડારિયા (રાજકોટ), રમેશ ધડુક (પોરબંદર) અને રતનસિંહ રાઠોડ (પંચમહાલ)નો સમાવેશ થાય છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ (નવસારી) કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ (ગાંધીનગર), વિનોદ ચાવડા (કચ્છ), ભરતસિંહ ડાભી( પાટણ), દિનેશ મકવાણા (અમદાવાદ પશ્ચિમ), પરસોત્તમ રૂપાલા ( રાજકોટ), મનસુખ માંડવિયા (પોરબંદર), પૂનમ માડમ (જામનગર) દેવુસિંહ ચૌહાણ ( ખેડા), રાજપાલ સિંહ જાદવ( પંચમહાલ), જશવંતસિંહ ભાભર (દાહોદ), મનસુખ વસાવા ( ભરૂચ), પ્રભુ વસાવા( બારડોલી), જ્યારે રેખા ચૌધરી (બનાસકાંઠા)ને ટિકિટ મળી છે.
મનસુખ માંડવિયા માટે કપરા ચઢાણ
ભાજપે સૌરાષ્ટ્રની જે બે સીટો માટે નવા ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં કેન્દ્રીય મંત્રીઓ રાજકોટથી પરસોત્તમ રૂપાલા અને પોરબંદરથી મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. જો કે ઘણા રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે પોરબંદર સીટ પર જો કોંગ્રેસ કોઈ મજબુત અને સ્થાનિક મેર ઉમેદવાર ઉભો રાખે તો મનસુખ માંડવિયાને જીત મુશ્કેલ બની શકે છે. પોરબંદર સીટ પર મેર જાતિનું પ્રભુત્વ રહ્યું છે, તેથી માંડવિયા માટે કપરા ચઢાણ છે. આમ પણ મનસુખ માંડવિયાએ ભાવનગર સીટ માગી હોવાનું કહેવાય છે પણ તે પ્રમાણે થયું નથી.
તે જ પ્રકારે ભાજપે રાજકોટથી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે, રૂપાલા ભાજપના સક્ષમ નેતા છે પણ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર અમરેલી રહ્યું છે જો કે તેમને રાજકોટ સીટથી ઉમેદવાર બનાવવામાં આવતા ભાજપના સ્થાનિક કાર્યકરોમાં છુપો અસંતોષ છે. રાજકોટ સીટ માટે પ્રબળ સ્થાનિક દાવેદારો હોવા છતાં ભાજપે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપતા ચૂંટણીમાં ભાજપ નુકસાન થવાની શક્યતા છે, રૂપાલા પહેલા આ બેઠક માટે પૂર્વ સીએમ વિજય રૂપાણી દાવેદાર મનાતા હતા, જો કે તેવું થયું નથી.
રેખાબેન ચૌધરી v/s ગેનીબેન ઠાકોર
ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. મહિલા ઉમેદવાર ભાજપે બનાસકાંઠામાં પ્રથમ વાર જ મેદાને ઉતાર્યા છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા માટે મહિલા ઉમેદવાર ડો. રેખાબેન હિતેષભાઇ ચૌધરીને ટિકિટ આપી છે. હવે જો બનાસકાંઠા સીટ માટે કોંગ્રેસ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપે છે તો ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને તગડી સ્પર્ધા મળી શકે છે. ગેનીબેન ઠાકોર ઠાકોર, દલિત અને અન્ય જાતિઓનું સમર્થન ધરાવે છે. આમ પણ કોંગ્રેસ આ વખતે બનાસકાંઠા બેઠક પરથી સિટિંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ નક્કી કર્યું છે. આમ બનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરી v/s ગેનીબેન ઠાકોર ની ચૂંટણી નક્કી છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પર લોકસભા ચૂંટણી લડશે.
બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં 2 લાખ ચૌધરી સમુદાયના, જ્યારે 3.5 લાખ મતદાર ઠાકોર સમુદાયના મત છે. બનાસકાંઠા લોકસભામાં આવતી 7 પૈકી 2 વિધાનસભા બેઠક કોંગ્રેસ હસ્તક છે. ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી સામાજિક રીતે પ્રભાવ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના દાદા સ્વર્ગસ્થ ગલબાભાઇ નાનજીભાઇ પટેલ બનાસ ડેરીના આદ્ય સ્થાપક છે. લાખો પશુપાલકોને બનાસકાંઠામાં જીવાદોરી સમાન સંસ્થા સ્થાપવાની તેઓની ભૂમિકા સર્વ પશુપાલક સમાજમાં મહત્વની રહી છે. ગલબાભાઇના પુત્રની દીકરી હોવાને લઈ સામાજીક રીતે મજબૂત મહિલા ઉમેદવાર તરીકે ઉભરશે એમ મનાય છે. ડો. રેખાબેન ચૌધરીને ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે અને સાથે જ તેઓ પ્રોફેસર છે.