આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાતની તમામ 26 સીટો પર ઉમેદવારોની જાહેરાત, શું ભાજપ જીતની હેટ્રીક લગાવશે?

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં તમામ સીટો પર ઉમેદવારોની જાહેરાત થઈ જતા હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણી માટે ભાજપે ગુજરાતની તમામ 26 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે ગુજરાતમાં પોતાના વર્તમાન 14 સાંસદોની ટિકિટ કાપી છે. આ સીટો માટે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિત માત્ર 12 સાંસદોને જ રિપીટ કરવામાં આવ્યા છે. પાર્ટીએ આ વખતે માત્ર 4 મહિલાઓને જ ટિકિટ આપી છે.

ભાજપે વડોદરા અને સાંબરકાંઠાની સીટો પર પહેલા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના સ્થાન પર અન્ય નામની જાહેરાત કરી છે. પાર્ટીએ વડોદરામાં રંજન બેન ભટ્ટના સ્થાન પર યુવા ડો. હેમાંગ જોશી અને સાબરકાંઠાથી શોભના બેન બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 2019માં ગુજરાતમાંથી 6 મહિલાઓ લોકસભા પહોંચી હતી.

I.N.D.I.A એલાયન્સમાં કોંગ્રેસને 24 અને AAPને 2 બેઠકો મળી છે. AAPએ ભરૂચ અને ભાવનગર બેઠક પરથી તેના વર્તમાન ધારાસભ્યો ચૈત્ર વસાવા અને ઉમેશ મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે પણ તમામ 24 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ક્ષત્રિય વિવાદ બાદ હાઈપ્રોફાઈલ બનેલી રાજકોટ બેઠક પર પાર્ટીએ મોટો દાવ ખેલ્યો છે. પાર્ટીએ અહીંથી ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતની તમામ 26 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે.

ગત બે ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર ક્લિન સ્વીપ કરી છે. વર્ષ 2009માં લોકસભા ચૂંટણીમાં ભાજપને 15 અને કોંગ્રેસને 11 સીટો પર જીત મળી હતી. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આપ I.N.D.I.A એલાયન્સમાં રહીને લડી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી છ અનામત છે. તેમાંથી ચાર બેઠકો અનુસૂચિત જાતિ (ST) માટે અને બે બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button