ખેડૂતોના હક્કના ખાતરનું બેફામ કાળા બજારઃ અંજારથી નીમ કોટેડ ખાતરની 264 બોરી ઝડપાઇ…

ભુજ: કચ્છમાં હાલ પ્રવર્તી રહેલી સરકારી સબસિડીયુક્ત યુરિયા ખાતરની કૃત્રિમ અછત વચ્ચે ખેડૂતોના હક્કનું આ નીમ કોટેડ યુરિયા મિલીભગતના પ્રતાપે બારોબાર ખાનગી ઉદ્યોગોમાં પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું ભોપાળું છતું થયું છે.
આ પણ વાંચો : મુન્દ્રા પોર્ટ પર DRIની કાર્યવાહી: લાકડાના ભુંસામાં આવ્યા આઠ કરોડના કાજુ
આજે પૂર્વ કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ પૂર્વ બાતમીના આધારે અંજાર શહેરના જીઆઇડીસી વિસ્તારમાં ધમધમતી એક ફેક્ટરીમાં ખાલી થવા આવેલી નીમ કોટેડ યુરિયાની 70 હજાર રૂપિયાની કિંમતની 264 બોરીઓને જપ્ત કરી છે.
એલસીબીના પી.આઈ એન.એન. ચુડાસમાએ પ્રાથમિક માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટ્રક ડ્રાઈવર ભરત ચૌહાણ, રામજી આહીર અને મહાદેવ આહીરે નીમ કોટેડ યુરિયાનો જથ્થો ટ્રકમાં ભરી આપ્યો હતો જેને અંજાર જીઆઈડીસીમાં આવેલી લક્ષ્મી પોલિમર્સ નામની ફેક્ટરીમાં ખાલી કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મધરાત્રે Kutchમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ગભરાટ
હાલ ફેક્ટરીના માલિક વિનોદ જેન્તીલાલ લિંબાણી અને ટ્રક ચાલક ભરત ચૌહાણની અટક કરી પાંચ લાખની ટ્રક, બે મોબાઈલ ફોન અને યુરિયાનો મુદ્દામાલ અંજાર પોલીસે જપ્ત કર્યો છે. ઝડપાયેલાં શખ્સોની સઘન પૂછપરછમાં નીમ કોટેડ યુરિયાના કાળા બજારના નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા હોવાનું ચુડાસમાએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ અગાઉ અંજારના લાખાપરમાં કેટલાક જાગૃત ખેડૂતોએ જીપકારમાં લઈ જવાતો નીમ કોટેડ યુરિયાનો જથ્થો પકડી પડ્યો હતો.