અંજારના વરસામેડીના રહેણાંકમાંથી 38 હજારના માદક પદાર્થો સાથે દંપતીની અટક…
ભુજ: હજુ એક માસ પૂર્વે પોલીસે અંજારમાંથી ૧.૩૨ લાખનો ગાંજો અને રાપરમાંથી ૧.૨૦ લાખના પોસ દોડાના જથ્થા સાથે સ્થાનિક યુવકોને દબોચ્યા બાદ નશાખોરીનું હબ બની ચૂકેલા પૂર્વ કચ્છમાં માદક દ્રવ્યોના વેચાણનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અંજાર તાલુકાના વરસામેડીમાં એક સોસાયટીનાં મકાનમાં માદક પદાર્થનું છૂટક વેંચાણ કરનારા દંપતીને અટકમાં લઇ તેમની પાસેથી રૂા.૩૮,૦૦૦નો ગાંજો, ભાંગની ગોળીઓ, થ્રી પેપર વગેરે સ્થાનિક પોલીસે હસ્તગત કર્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં ડ્રગ્સ માફિયા પર પસ્તાળઃ એક વર્ષમાં 5640 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત
અંજાર પોલીસના જણાવ્યા અનુસાર, વરસામેડીમાં ખેતરપાળ દાદાનાં મંદિર સામે આવેલા ઘનશ્યામ પાર્કમાંનાં એક મકાનમાં માદક પદાર્થનો વેપલો થઇ રહ્યો હોવા અંગેની બાતમી મળે આ કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમ્યાન નિશા સત્યેન્દ્ર રાજપૂત તથા તેના પતિ સત્યેન્દ્ર રામકઠિનસિંઘ રાજપૂતની ધરપકડ કરી હતી. મકાનમાં તપાસ દરમ્યાન પ્લાસ્ટિકની ઝીપવાળી નાની થેલીઓ મળી આવી હતી, જેમાં લીલા રંગના વનસ્પતિજન્ય પાંદડાં સાથેની ડાળખી, ભીનો-સૂકો ગાંજો મળી આવ્યા હતા તેમજ લાકડાંના ટેબલ ઉપર થર્મોવેગન લખેલા બોક્સમાંથી પણ ગાંજો મળી આવ્યો હતો તેમજ ભાંગની ગોળીઓના ચાર પેકેટ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : કચ્છના સરહદી વિસ્તારમાંથી ટેગ લગાવેલું શંકાસ્પદ કબુતર ઝડપાયું
પોતાના ઘરે તથા દુકાને આવતા ગ્રાહકોને નાની થેલીઓમાં ગાંજો, ભાંગની ગોળીઓ વેંચતા દંપતી પાસેથી ૧.૮૦ કિલોગ્રામ ગાંજો, ભાંગની ગોળીના ચાર પેકેટ, કેપ્ટન ગોગો લખેલા કોન નંગ-બે, ગાંજો પીવા માટેના થ્રી પેપર, કોથળી વગેરે મળીને કુલ રૂા. ૩૮,૦૦૦નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ દંપતીની પૂછપરછ કરાતાં તેમને માલ વરસામેડી ઇન્ડિયા કોલોનીમાં રહેનાર ઘનશ્યામ નામનો શખ્સ આપતો હોવાનું બહાર આવ્યું હોવાનું પોલીસે ઉમેર્યું હતું.