આપણું ગુજરાતભુજ

કિશોરી પર દુષ્કર્મના ગુનામાં અંજારની વિશેષ પોક્સો કોર્ટે ભીમાસરના યુવકને ૨૦ વર્ષના કારાવાસની સજા ફટકારી

ભુજની પોક્સો કૉર્ટે આવા જ કેસમાં લખપતના પીપર ગામના યુવકને વીસ વર્ષનો કારાવાસ ફટકાર્યો

ભુજ: સગીરાના અપહરણ અને દુષ્કર્મના જે-તે સમયે ભારે ચર્ચાસ્પદ ગુનામાં અંજારની વિશેષ પોક્સો અદાલતે નરાધમને દોષી ઠેરવી ૨૦ વર્ષના સખ્ત કારાવાસ સાથે ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અંજાર તાલુકાના ભીમાસર (સહારા) ગામના રોહિત ઊર્ફે રાજેશ રાજુ વાઘેલા (વાલ્મીકિ) વિરુધ્ધ ગત ૬ઠી જૂન,૨૦૨૦ના રોજ ૧૩ વર્ષની સગીરાનું અપહરણ અને દુષ્કર્મ સબબ ગુનો નોંધાયો હતો.

આ ચકચારી કેસમાં ૧૬ સાક્ષી અને ૨૮ દસ્તાવેજી આધાર પૂરાવાને અનુલક્ષીને આજે અંજારના સ્પેશિયલ પોક્સો જજ કમલેશ કે. શુક્લએ રોહિતને ગુનેગાર ઠેરવી પોક્સો કલમ ૪ હેઠળ ૨૦ વર્ષની સાદી કેદ અને ૫ હજાર રુપિયા દંડ, પોક્સો કલમ ૮ હેઠળ ૩ વર્ષની કેદ અને ૨ હજાર દંડ, ભારતીય ન્યાય પાલિકાની કલમ ૩૬૩ હેઠળ ૩ વર્ષની કેદ અને ૨ હજાર દંડ, ૩૬૬ હેઠળ ૨ વર્ષની કેદ અને ૧ હજાર દંડ ફટકાર્યો છે. દંડની કુલ રકમ ૧૦ હજાર જમા થયે ગુનાનો ભોગ બનનારને તે વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ બની સરકારનો “કમાઉ દીકરો”-અઢી મહિનામાં જ કરોડોની આવક…

આરોપી સામેનો આ કેસ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે ચાલ્યો હોવાનું આ કેસમાં મદદનીશ સરકારી વકીલ આશિષકુમાર પી.પંડ્યાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ દિવસમાં ભુજની પોક્સો કૉર્ટે કિશોરીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં લખપતના પીપર ગામના યુવકને વીસ વર્ષનો કારાવાસ ફ્ટકારવાની સાથે આજે એક જ દિવસમાં પોક્સોના બે જુદાં જુદાં ગુનામાં બે આરોપીને વીસ વીસ વરસના કારાવાસની સજા ભોગવવા હુકમ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button