અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ: ગુજરાત હાઈકોર્ટે 4 સપ્તાહમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો…

અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો આપ્યો હતો. અનિરુદ્ધ સિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડાને સજા માફી અંગેના સરકારના નિર્ણયને ગુજરાત હાઇ કોર્ટે રદ કર્યો હતો. ગુજરાત હાઇ કોર્ટે અનિરુદ્ધસિંહને ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાનો હુકમ આપ્યો હતો.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠિયાની વર્ષ 1988મા ધ્વજવંદન કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળીઓ મારીને જાહેરમાં જ હત્યા કરવામાં આવી હતી, જેમાં ટાડા એક્ટ (ત્રાસવાદ વિરોધી ધારો) હેઠળ સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડાને 2018માં સજા માફી આપવાના સરકારના નિર્ણયને પડકારતી રિટ અરજી કરવામાં આવી હતી.
અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે ગુજરાત સરકારની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. એટલું જ નહિ, અનિરુદ્ધસિંહને રેમીસનનો લાભ આપીને વહેલા જેલમાંથી મુક્ત કરવા બાબતે અણિયાળા સવાલો કરતા રાજ્ય સરકારના વકીલ બચાવની સ્થિતિમાં આવી ગયા હતા.
તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે ચાર સપ્તાહનો સમય આપતા હવે અનિરુદ્ધસિંહની મુશ્કેલીઓ વધી છે. તેમને જેલ ભેગા થવું પડશે. ગુજરાત હાઇ કોર્ટના જસ્ટીસ એચ. ડી. સુથારે દ્વારા શુક્રવારે સવારે જાહેર કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે પૂર્વ જેલ એડીજીપી ટી. એસ. બીષ્ટ દ્વારા સજા માફીનો કરવામાં આવેલો નિર્ણય ગેરકાયદે અને સત્તા બહારનો હોવાથી તેને રદ્દ કરવામાં આવે છે.
અનિરુદ્ધસિંહ જાડેજાએ પોતાની ધરપકડ ન થાય તે માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે, આ અરજીના નિર્ણયમાં ગુજરાત હાઇ કોર્ટે કડક વલણ અપનાવીને અરજી રદ કરી હતી. આ સાથે જ આદેશ કર્યો હતો કે, ચાર અઠવાડિયામાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનું રહેશે. આ સાથે જ દરરોજ નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની રહેશે.
ગત સુનાવણીમાં હાઇ કોર્ટે જેલ વિભાગના અધિકારીને સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કર્યા હતા. પરંતુ તેઓ તેનો સંતોષજનક જવાબ આપી શક્યા ન હતા. સરકારપક્ષ તરફથી પણ સંતોષજનક ખુલાસો મળી શક્યો ન હતો. સ્વ. પોપટભાઇ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાંથી સજા પહેલાં વહેલા મુકત કરી દેવાના સરકારના વિવાદીત નિર્ણયને પડકાર્યો હતો.
તેમણે અરજીમાં જણાવ્યું હતુ કે, ગત 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટી. એસ. બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરીટીને પત્ર લખાયો હતો અને તેના આધારે જાડેજાને સજા માફી આપી દેવાઇ હતી.
જેની પાછળ એવું કારણ અપાયું હતું કે, જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે, તેથી અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરી તેને બાકીની સજા ભોગવવા માટે જેલમાં પરત મોકલવા જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1988ની 15મી ઓગસ્ટના રોજ ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પોપટભાઈ સોરઠિયાની અનિરુઘ્ધસિંહ જાડેજાએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રાજકીય દુશ્મનાવટમાં આ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ.
આ હત્યાથી સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. લાંબી કાનૂની લડાઈ બાદ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 1997માં આજીવન કેદની સજા ફટકારી હતી. અનિરુદ્ધસિંહ જાડેજાના પિતા મહિપતસિંહ જાડેજા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આ પણ વાંચો…રીબડા ફાયરિંગ: આરોપી હાર્દિકસિંહને દોરડે બાંધી કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન, પોપટની જેમ આપી વિગતો