આપણું ગુજરાતભુજ

કચ્છના ત્રણ તાલુકાઓમાં પશુરોગ લમ્પીની દેખા; માલધારીઓમાં ચિંતા…

ભુજ: આજથી બરાબર બે વર્ષ પહેલા દુધાળાં પશુઓ માટે જાણે કાળ બનીને ત્રાટકેલા લમ્પી નામના રોગચાળાને મળતાં આવતાં લક્ષણો ધરાવતો રોગ કચ્છના કેટલાક વિસ્તારોમાં ફરી દેખાવા લાગતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. માંડવી તાલુકાના કાઠડા, શિરવા, નાના લાયજા સહિતના ગામડાંઓમાં આ રોગ વિશેષ રૂપે દેખાઇ રહ્યો છે. કેટલાક પશુ ઢીલા પડી રહ્યા છે અને પછી પગમાં ઇજા પહોંચી હોય તેવા ધાબા પણ દેખાઈ રહ્યા છે. માંડવી ઉપરાંત મુંદરા, અબડાસા વિસ્તારમાં મુખ્યત્વે ભેંસોના આંચળમાં પાંચડો નામનો રોગ ફેલાયો છે, જે ચેપી છે, જેની અસર પશુપાલકોને પણ થઇ શકે છે જેથી તે વિસ્તારમાં તકેદારી રાખવા પશુ ચિકિત્સકો દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો : Kutchમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસ વધતાં આરોગ્યતંત્ર એક્શનમાં

મુખ્યત્વે માંડવી તાલુકામાં જ વધુ અસર

આ અંગે માંડવીના પશુ દવાખાનામાં ફરજ બજાવી રહેલા ડો. રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વખતે વયસ્ક પશુઓ કરતાં નાની ઉંમરના પશુઓમાં લમ્પિ નામનો રોગ ફરીથી દેખાઇ રહ્યો છે અને તે મુખ્યત્વે માંડવી તાલુકામાં જ વધુ દેખાઇ રહ્યો છે પરંતુ તે જોખમી નથી અને સામાન્ય સારવારથી મટી જાય છે. હજી સુધી દુધાળાં પશુઓમાં તે જૂજ છે.

તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી થાય તે જરૂરી

મુંદરા, અબડાસા તાલુકામાં પાંચડો નામનો રોગ ભેંસોમાં દેખાઇ રહ્યો છે જેની અસર માનવીઓને પણ થઇ શકે છે.આ રોગ પ્રથમ ભેંસના આંચળમાં દેખાય છે અને પશુ દોહવાથી તેના લીધે જે વ્યક્તિ દોહવા બેસે છે તેને પણ હાથમાં ચાંદા પડી જવા જેવું થઇ શકે છે તેમ મુંદરાના પશુ ચિકિત્સક ડો.આશિષ પટેલે જણાવ્યું હતું.

અબડાસાના ગરડા વિસ્તારના આગેવાન, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અનુભા જાડેજાએ જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ તરફથી હજુ સુધી કોઇ આ વિસ્તારમાં પગલાં લેવામાં આવ્યા નથી. અબડાસા અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં પશુપાલકોએ રખડતા મૂકી દીધેલા ગૌવંશમાં લમ્પીના નિશાન જોવા મળ્યા છે ત્યારે તકેદારીના પગલા રૂપે સ્થાનિક તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી થાય તે જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

નાયબ પશુપાલન નિયામક શાખાના ડો.હરેશ ઠક્કરે કચ્છમાં લમ્પીના ફેલાવાને રોકવા અને ગૌવંશ માટે પૂરતી સારવાર વ્યવસ્થા ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ટૂંક સમયમાં ગાયો પર સર્વે કરવા માટે ખાસ તાલીમબદ્ધ ટુકડીઓને મોકલવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

પશુ હોસ્પિટલોને તાળાં

દરમ્યાન, આવી પરિસ્થિતિમાં માંડવીના જર્જરિત થઇ ગયેલાં પશુ હોસ્પિટલોને તાળાં મારી દેવાયાં છે અને તેની બાજુમાં આવેલા સ્ટોર રૂમને દવાખાના તરીકે ચાલુ રાખવામાં આવ્યું છે!.આ સ્ટોર રૂમની આગળ રહેણાક હોવાથી રસ્તેથી પસાર થતાં પશુ દવાખાનું બંધ જ હોય એવું લાગી રહ્યું છે. ચાલુ વર્ષે માંડવીમાં પડેલા વધુ પડતા વરસાદના લીધે આ પશુ દવાખાનું જર્જરિત બની જતાં તે બેસવાલાયક રહ્યું નથી. જેથી સ્ટોર રૂમમાં ખુરશીઓ રાખીને કામ ચલાવ્યા રખાય છે. દવાખાનાંના મરંમત કામ અંગે ઉપલી કક્ષાએ રજૂઆત કરી દેવાઇ છે તેમ ડો. રોહિત ચૌધરીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો : Tourism: હવે રણોત્સવ જવા માટે અમદાવાદથી મળશે બસ સેવા!

અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષથી વર્ષાઋતુ દરમ્યાન મૂક પશુઓ પર આવી ચડેલા લમ્પી રોગની આફત વખતે ‘ડિનાયલ’ મોડમાં રહેલી રાજ્ય સરકાર જયારે હજારો મૃત ગાયોના ઢગલાને નાગોર સ્થિત ભુજ નગરપાલિકાના ડમ્પિંગ સ્ટેશને ઠાલવવામાં આવ્યો એ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જાગી હતી અને જે-તે સમયે લોકરોષ વ્યાપક બન્યા બાદ ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ કચ્છ દોડી અાવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button