ગુજરાતની આ લેબના રિપોર્ટ બાદ તિરૂપતિ મંદિરના પ્રસાદ પર ઉઠયા પ્રશ્નો; અહી થાય છે આટલા રિપોર્ટો…
આણંદ: હાલ તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ ચર્ચામાં છે. પ્રસાદને લેબોરેટરીમાં તપાસમાં મોકલવામાં આવ્યો હતો અને તેના રિપોર્ટ આવ્યા બાદ આ વિવાદ વધુ વકર્યો છે. પ્રસાદમાં ભેળસેળ થઈ છે કે કેમ તેની તપાસ માટે પ્રસાદના સેમ્પલને ગુજરાતના આણંદમાં આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. આ લેબોરેટરી NDDB CALFના નામથી ઓળખાય છે.
આ પણ વાંચો : Tirupati પ્રસાદનો વિવાદઃ લેબોરેટરીના રિપોર્ટથી ખળભળાટ, સોશિયલ મીડિયા પર ધમાલ
આ લેબોરેટરીમાં દૂધ અને દૂધની બનાવટોનું મૂલ્યાંકન તમામ ગુણવત્તા માપદંડો દ્વારા કડક પરીક્ષણો દ્વારા કરવામાં આવે છે. આ લેબોરેટરીની સ્થાપના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા વર્ષ 2009માં કરવામાં આવી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે તેની તમામ સહકારી અને દૂધ ઉત્પાદન સંસ્થાઓને ધ્યાનમાં રાખીને તેની સ્થાપના કરી તેને CALF એટલે કે લાઇવસ્ટોક એન્ડ ફીડ એનાલિસિસ એન્ડ સ્ટડી સેન્ટર નામ આપ્યું હતું. અહી દૂધની બનાવટો, ખોરાક, ફળો, શાકભાજી, પશુ આહાર અને આનુવંશિકતા સંબંધિત વિશ્લેષણ કરવામાં આવે છે.
શું કરે છે કામગીરી?
લેબોરેટરીમાં 40 વિશ્લેષકો સહિત કુલ 80 લોકોનો સ્ટાફ છે જે અહી તપાસ કે પરીક્ષણ માટે આવતા નમૂનાઓનું પરીક્ષણ અને વિશ્લેષણ કરે છે. 2009 ની શરૂઆતમાં, માત્ર દૂધ, દૂધની બનાવટો અને પશુ આહારનું પરીક્ષણ અને વિશ્લેષણ કરવામાં આવતું હતું, પરંતુ ધીમે ધીમે લેબોરેટરીને વિશ્લેષણાત્મક કાર્ય હાથ ધરવા માટે આધુનિક સાધનો સાથે વિકસિત કરવામાં આવી. ત્યારબાદ તો ટેસ્ટિંગને દૂધ કે તેની બનાવટોથી વિસ્તારીને ફળો અને શાકભાજી, ચરબી અને તેલ, મધ અને પાણી સુધીની બાબતો સમાવી લેવામાં આવી.
આ ઉપરાંત ધીમે ધીમે અહી જંતુનાશકો, એન્ટિબાયોટિક્સ, ભારે ધાતુઓ, અફલાટોક્સિન અને ડાયોક્સિનનું પણ પૃથ્થકરણ થવા લાગ્યું. NDDBના જાતિ સુધારણા કાર્યક્રમો અને વીર્ય પરીક્ષણ કેન્દ્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, CALFએ આનુવંશિક પરીક્ષણ માટે એક સુવિધા સ્થાપી છે.
NDDB CALF નું સંચાલન કોના હાથમાં?
NDDB CALF એ NDDBની સહયોગી કંપની છે કે જે NDDB હેઠળ આવે છે. NDDBના મેનેજમેન્ટ દ્વારા તેની દેખરેખ કરવામાં આવે છે. NDDBની સ્થાપના સંસદના અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી અને તે ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. તેની સ્થાપના 1965માં ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયન દ્વારા કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક આણંદમાં છે અને તેની સમગ્ર દેશમાં કચેરીઓ છે. તેને રાજકીય દબાણથી મુક્ત રાખવા માટે, તેના બોર્ડમાં પહેલાથી જ એવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેઓ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા.