8 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ, અમદાવાદ-રાજકોટમાં કોરોના કેસમાં વધારો નોંધાયો
કોરોનાના નવા કેસને લઇને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે, સરકાર દ્વારા સ્થાનિક લેવલે જરૂરી સૂચનો પણ આપી દેવાયા છે. શહેરોમાં સરકારી હોસ્પિટલો પણ સુવિધાઓ સાથે સજ્જ થઇ ગઇ છે, જો કે ધીમે ધીમે કેસ વધતા લોકોમાં ચિંતા છવાઇ છે.
ગાંધીનગરમાં એક 8 વર્ષના બાળકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમજ અમદાવાદમાં ગઇકાલ સુધી જે 7 કોરોના કેસ નોંધાયા હતા, તે પછી વધુ 6 કેસ નોંધાયા છે. 3 મહિલાઓ અને 3 પુરુષ કોરોના પોઝિટિવ થયા છે. વિસ્તાર મુજબ જોઇએ તો જોધપુર, પાલડી, ઘાટલોડિયા, નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં હવે કુલ 13 કોરોના એક્ટિવ કેસ થઇ ગયા છે.
ગાંધીનગરમાં જે બાળક કોરોના પોઝિટિવ છે તેની પણ દક્ષિણ ભારતની ટ્રાવેલ હિસ્ટ્રી છે. ગાંધીનગરમાં કોરોનાના કુલ 5 એક્ટિવ કેસ થઇ ગયા છે. રાજકોટમાં પણ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. શહેરના અક્ષરમાર્ગ પર રહેતી 52 વર્ષીય મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેમ છતાં રિપોર્ટ પોઝિટિવ આવતાં ફફડાટ ફેલાયો છે. જો કે મહિલાને તાવ અને શરદીના સામાન્ય લક્ષણો હોવાથી હોમ આઇસોલેટ થયા છે. રાજકોટમાં 2 મહિના બાદ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. છેલ્લે રાજકોટમાં 22 ઓક્ટોબરના રોજ કોરોનાનો કેસ નોંધાયો હતો.
જેમના પણ કેસ પોઝિટિવ નોંધાયા છે, તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને હોમ આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે. તેમજ તમામના સેમ્પલ લઇને જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવી રહ્યું છે.