આપણું ગુજરાત

ડાકોર પ્રસાદીમાં ભેળસેળના વિવાદને લઈને અમૂલના એમડીએ કર્યો ખુલાસો

ડાકોર: આંધ્રપ્રદેશમાં તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદ બાદ દેશમાં મચેલા ભારે હંગામા વચ્ચે દેશના અનેક મંદિરોમાં પ્રસાદની ગુણવતા અને પવિત્રતાને લઈને તપાસ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં પણ આપવામાં આવતા પ્રસાદની ગુણવતાને લઈને સવાલો ઉઠયા હતા. જો કે આ તમામ બાબતોને લઈને અમૂલના એમડીએ નિવેદન આપ્યું છે.

તિરૂપતિ મંદિરના પ્રસાદમાં ચરબીને ભેળસેળ હોવાના ખુલાસા બાદ દેશમાં ભારે ઉહાપોહ મચ્યો છે. ત્યારે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ પ્રસાદને લઈને વિવાદ ખડો થયો હતો. જેમાં રણછોડરાયના મંદિરમાં ભક્તોને આપવામાં આવતા પ્રસાદમાં એક અલગ જ પ્રકારની સ્મેલ આવતી હોવાનો આરોપ મંદિરના એક સેવક પૂજારીએ કર્યો હતો.

ડાકોર મંદિરમાં લાડુના પ્રસાદમાં અમુલ ઘીના ઉપયોગને લીધે પ્રસાદ બગડી જતો હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. આ આરોપોને લઈને અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અમિત વ્યાસે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ડાકોર મંદિરના સેવક આશિષભાઈ દ્વારા કરવામાં આવેલ આરોપો પાયાવિહોણા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : તિરુપતિ બાદ ડાકોરની પ્રસાદીને લઈને પણ વિવાદ: ખુદ પૂજારીએ જ કરી તપાસની માંગ…

સમગ્ર મામલે તેમણે કહ્યું હતું કે ‘અમૂલ ડેરી ડાકોર મંદિરમાં 2024થી ઘી સપ્લાય કરે છે. અમૂલ 78 વર્ષ જૂની સંસ્થા છે અને આ બ્રાન્ડ દેશમાં જ નહીં પણ વિદેશમાં પ્રખ્યાત છે. તેની ગુણવત્તાને લઈને દેશની સાથે વિશ્વના લોકો પણ અમૂલ પર વિશ્વાસ મૂકે છે. આ પ્રકારના આક્ષેપનું અમૂલ ડેરી ખંડન કરે છે. અમૂલ ડેરી ગાય અને ભેંસના દૂધમાંથી જ ઘી બનાવે છે અને દૂધ અને ઘીના સેમ્પલની તપાસ કર્યા બાદ જ બજાર સુધી પહોંચાડવામાં આવે છે.

શું હતો મામલો?
મંદિરના સેવક આશિષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં પ્રસાદીનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો છે કે મંદિરના લાડુ પ્રસાદમાંથી એક અલગ પ્રકારની સ્મેલ આવે છે. પહેલા પ્રસાદીનો લાડુ ઘણા લાંબા સમય સુધી સારો રહેતો હતો જ્યારે હવે તો ત્રણ ચાર દિવસોમાં જ બગડી જાય છે. પહેલાના વર્ષોમાં લાડુના પ્રસાદમાં જામખંભાળિયાનુ ઘી વાપરવાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી અમૂલ કંપનીનું ઘી વાપરવાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button