અમરીશ ડેરનું રાજીનામું, સિંહ પાળવો પોસાશે?
રાજકોટઃ રાજુલા પંથકનું કોંગ્રેસ પાર્ટીનું એક મજબૂત નામ અને ભૂતપૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં જોડાવાનો ઈશારો આપી દીધો છે.
અમરીશ ડેર ક્યારે કેસરિયા પહેરશે તે તો હજુ નક્કી નથી, પરંતુ જો ભારતીય જનતા પક્ષમાં જોડાવાનો સંકલ્પ કરી લીધો હોય તો બેશક ભાજપ મજબૂત સ્થિતિમાં આવશે, પરંતુ એક વાત એ પણ છે કે સિંહનું કલેજુ ધરાવતા અમરીશ ડેર સ્પષ્ટ વક્તા છે. ભારતીય જનતા પક્ષને આ બેબાક નેતા પોસાશે કે નહીં તે મોટો પ્રશ્ન છે, કારણ કે આ નેતા કોઈની અંદરમાં રહેવા ટેવાયેલા નથી અને ખોટું થતું હશે તો ચમરબંધીને પણ કહેવા ટેવાયેલા છે. આવા સંજોગોમાં ભારતીય જનતા પક્ષે આ નેતાને પોતાની ઘરેડમાં ઢાળવા માટે બહુ બધી મહેનત કરવી પડશે.
ભારતીય જનતા પક્ષના એક જૂના કાર્યકર્તાના મોંઢે સાંભળેલી વાત છે કે 156 લઈ આવી દીધી પછી હવે બધાને પક્ષમાં જોડીને શું કામ છે? આમાં તો એક વખત એવો આવશે કે મૂળ ભાજપ લઘુમતીમાં હશે અને બહારથી આવેલા બહુમતીથી ધાર્યા કામ પાડશે.
એક વાત તો નક્કી જ છે કે અમરીશ ડેર ને લઈ આવી અને એમને ખાલી બેસાડી રખાશે નહીં. મોટો હોદ્દો કે ધારાસભ્ય પદ અને ધારાસભ્ય પદ પછી મંત્રી પદ સુધી કંઈક આપવું પડશે.તો મૂળ ભાજપના કાર્યકર્તાઓએ હજુ કેટલા વર્ષ રાહ જોવાની છે? અને બહારથી આવેલા ને ખભે બેસાડી અને નગર યાત્રા કરવાની છે? આ યક્ષ પ્રશ્નને મોવડી મંડળે ઉકેલવો પડશે.