અમરેલીમાં નાનાં વિમાનો બનશે: એક વર્ષમાં ૨૫ વિમાનોનું પ્રોડક્શન થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: એક વિમાન ઉત્પાદક કંપની દ્વારા અમરેલી ખાતે નાના વિમાન બનાવવાના પ્રોજેક્ટનું અમરેલીના લાઠી રોડ ઉપર ખાત મુહૂર્ત કરાયું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હાથે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્યના વરદ હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ કંપની દ્વારા ફોર સિટર સિક્સ સીટરનાં નાનાં વિમાનો બનાવવાનો પ્રોજેકટ એક વર્ષમાં કાર્યરત થઈ જશે અને વાર્ષિક ૨૫ વિમાનોનું પ્રોડક્શન થશે અને દર વર્ષે આ પ્રોડક્શનમાં વધારો થશે. પ્રાથમિક તબક્કે ૩૦૦ વ્યક્તિઓને રોજગારી મળશે. આ ઉપરાંત અહીંયા વિમાન રિપેરિંગ અને પાર્ટ્સ બનાવવાનું પણ ધીમે ધીમે હાથ ધરવામાં આવશે. તેમજ પાઇલોટ ટ્રેનિંગ સેન્ટર પણ ઊભું કરાશે. હાલ આ કંપની દ્વારા વડોદરા ખાતે પાઇલોટ ટ્રેનિંગ પ્રોજેકટ કાર્યરત છે અને મોટી સંખ્યામાં ટ્રેનિંગ લઇ રહેલા પાઇલોટ અહીં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના રાજકારણમાં અગ્રેસર પણ વિકાસમાં પછાત ગણાતા અમરેલી જિલ્લાને આ કંપની દ્વારા એક નવી રોજગારીની તક મળે અને પીએમ નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ઇન્ડિયાના હેતુને સિદ્ધ કરવા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે.