Amreli News: અમરેલીના ખાંભામાં વીજ કરંટથી એક જ પરિવારના ત્રણના મોત
અમરેલીઃ મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન (Rain In Saurastra) થયા છે. અનેક ઠેકાણે વીજળી પડવાની અને વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. એવામાં અમરેલી જિલ્લાના ખાંભા(Khambha) ના હનુમાનપુર ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો છે.
સૂત્રોના પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ખાંભાના હનુમાનપુરા ગામે નવા મકાનનું બાંધકામ ચાલતુ હતુ. આ દરમિયાન મકાનનો સ્લેબ ભરતી વખતે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં મકાનનો સ્લેબ ભરવા માટે મશીનમાં રેતી વૉશિંગનું કામ ચાલી રહ્યું હતુ. આ દરમિયાન વીજ કરંટ પસાર થતાં તેની ઝપેટમાં ત્રણ જણા આવી જતા મોતને ભેટ્યા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. મૃતકો પૈકી બે સગા ભાઈ છે, જ્યારે ત્રીજો તેમનો ભત્રીજો છે. મૃતકોની ઓળખ પથુભાઈ બોરીચા (ઉ.વ.32), માનકુભાઈ બોરીચા (ઉ.વ.30) અને ભૌતિક બોરીચા તરીકે થઈ છે. પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખાંભાની હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરી છે.