અમરેલીના કાગવદરમાં 2 સિંહબાળના ભેદી મોત: ગીરમાં રોગચાળાનો ખતરો? વન વિભાગ હરકતમાં

અમરેલીઃ સૌરાષ્ટ્રના ગીર પંથકના સિંહો પર રહસ્યમયી રોગચાળાનું સંકટ તોળાઈ રહ્યું છે. જાફરાબાદ રેન્જના કાગવદર ગામમાં 2 સિંહ બાળના અચાનક મોત થતા વન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને કારણે સિંહ પ્રેમીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. અચાનક 2 સિંહબાળ અગમ્ય કારણોથી મોતને ભેટતા વન વિભાગે આ વિસ્તારમાં રહેલી 2 સિંહણ અને તેની સાથે જોવા મળતા 9 સિંહબાળને પાંજરે પૂરીને મોતનું કારણ ચકાસવા કામગીરી શરૂ કરી છે. વન વિભાગ દ્વારા સિંહોના મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સિંહ બાળના મોત કઈ રીતે થયા તે મામલે શેત્રુંજી ડિવિઝન વન વિભાગના અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે. હાલ સમગ્ર મામલામાં મોતનું સાચું કારણ બહાર આવ્યું નથી. વન વિભાગને શંકા છે કે, આ સિંહબાળમાં કોઈ ભેદી રોગચાળો ફેલાયો હોઈ શકે છે.
આ પણ વાંચો: અમરેલીમાં વસ્તી ગણતરી પહેલાં 4 દિવસમાં 3 સિંહના મોત, સિંહ પ્રેમીઓમાં ચિંતાનું મોજું
મૃત્યુ પામેલા સિંહબાળના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની તપાસ એનિમલ ડોક્ટરની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવ પાલીતાણા શેત્રુંજી ડિવિઝનની જાફરાબાદ રેન્જમાં બન્યો છે, જ્યાં વન વિભાગની ટીમ યુદ્ધના ધોરણે કાર્યરત થઈ ગઈ છે. ઉદ્યોગો અને માઇન્સ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોના સ્કેનિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેથી અન્ય સિંહોમાં આ રોગ ન ફેલાય તેની ખાતરી કરી શકાય.
વન્ય પ્રેમીઓએ આ ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવી છે. ગત ગણતરી મુજબ અમરેલી જિલ્લામાં સિંહોની સૌથી વધુ વસ્તી નોંધાઈ હતી, ખાસ કરીને રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં સિંહોની મોટી સંખ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ધારીના દલખાણીયા રેન્જમાં સીડીવી વાઇરસથી 32 કરતા વધારે સિંહના મોત થતા આખી દલખાણીયા રેન્જમાં એક પણ સિંહ હયાત જોવા મળતો ન હતો. હાલમાં રાજુલા-જાફરાબાદ વિસ્તારના સિંહો પર પ્રાથમિક તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે, અને અન્ય સિંહોને પણ સ્કેન કરવામાં આવશે.
આ પણ વાંચો: એશિયાટિક સિંહોના સંવર્ધનની વાતો વચ્ચે આટલા સિંહના મોતઃ કૉંગ્રેસે સરકાર પર કર્યા આક્ષેપો
વન વિભાગે બે સિંહબાળના મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃત સિંહબાળના સેમ્પલ લેવાયા છે જેથી રોગ કયો છે તે શોધી શકાય. બાકીના સાત સિંહબાળની હાલત નાજુક હોવાથી તેમને સ્વસ્થ રાખવા માટેની તજવીજ શરૂ કરાઈ છે.
આ મામલે સરકાર પણ વિશેષ ધ્યાન આપે તે જરૂરી છે, કારણ કે જો રોગચાળાને રોકવામાં નહિ આવે તો અન્ય સિંહબાળ કે સિંહ-સિંહણને પણ સંક્રમણ લાગી શકે છે. ડીસીએફની ટીમ અને તમામ ડોકટરો સ્થળ પર હાજર રહીને યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે, રાજુલા, ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં સિંહ બાળની સાથે પુખ્ત અને પાઠડા સિંહો મળીને કુલ 12 જેટલા સિંહના મોત ગત એકથી દોઢ મહિનામાં થયા છે.
આ પણ વાંચો: સિંહના મૃત્યુના ચોંકાવનારા આંકડા: 2019 થી 2021 સુધીમાં 397 સિંહના થયા મોત
ઉલ્લેખનીય છે કે મે 2025માં આયોજિત 16મી વસ્તી ગણતરી મુજબ, ગુજરાતના ગીર વિસ્તારમાં એશિયાઈ સિંહોની કુલ સંખ્યા 891 છે. તેમાં 196 નર, 330 માદા, 140 પાઠડા અને 225 બચ્ચાં સામેલ છે. અમરેલીમાં સાવજની સૌથી વધુ સંખ્યા નોંધાઈ હતી.