અમરેલીમાં બે જૂથના ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, પોલીસ ઘટનાસ્થળે દોડી

અમરેલી: Amreli Damage Control: અમરેલીમાં ચાલતા ઉમેદવાર ભરત સુતરીયાને (Bharat Sutariya) બદલાવના વિવાદને શાંત પાડવા, ડેમેજ કંટ્રોલ કરવા ક્લસ્ટર ઈન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendra Sinh Chudasama) અમરેલી ખાતે દિલીપ સંઘાણીના ઘરે પહોંચ્યા હતા અને અમરેલીના ઉમેદવારના સમર્થનમાં આવતા આગેવાનો અને કાર્યકરો સાથે ખાનગી બેઠક કરી હતી. જેમાં કાર્યકરોએ ઉમેદવાર બદલવાની ઉગ્ર માંગણી કરી હતી અને ભાજપના કાર્યકર હિરેન વિરડીયાએ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ભરત સુતરીયા ઉમેદવાર તરીકે ચૂંટણી ન લડવા ઉગ્ર વિનંતી કરી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યકરોને ખાતરી આપી હતી કે તેઓની રજૂઆત પ્રદેશ કક્ષાએ રજૂ કરશે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથેની બેઠક પૂરી થયા બાદ ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં સાંસદ નારણભાઈ કાછડીયા જુથ અને ધારાસભ્ય કૌશિક વેકરીયા જુથના કાર્યકરો એકબીજા સાથે અથડાયા હતા. અહેવાલો પ્રમાણે કૌશિક વેકરિયા જૂથના કાર્યકર્તાએ નિવેદન આપ્યું હતું કે સાંસદ કાછડીયા અને તેમના પરિવાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ કાછડીયા જૂથના કાર્યકર હિરેન વિરડિયાએ નિવેદન આપ્યું હતું કે સંદીપ માંગરોલિયાએ હુમલો કર્યો હતો. બેઠક પૂર્ણ થતાં મામલાએ ગરમી પકડી લીધી હતી. સાંસદ કાછડિયા જુથ અને ધારાસભ્ય કૌશિક વેકરીયાના કાર્યકર્તાઓ સામ-સામે આવી ગયા હતા અને એક બીજા પર હુમલોઓ કર્યા હતા.
માથાકૂટના સમાચાર મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મોટા નેતાઓની લડાઈમાં કાર્યકરોએ છૂટા હાથની મારમારી શરૂ કરી દીધી હતી જેને લઈને માહોલ ગરમ થઈ ગયો હતો.