અમિત શાહની ગુજરાતના મોવડીઓ સાથે મધરાતે બેઠક: નવરાત્રિમાં જ પ્રધાન મંડળના વિસ્તરણની વકી
પાંચ રાજ્યોની ચૂંટણીઓ પહેલાં જ ગુજરાત ભાજપમાં ખાલી પડેલાં બે મહામંત્રી પદ ભરાવાની સંભાવના
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમિત શાહે રાત્રે ૧૨ વાગ્યા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે એક બેઠક યોજી હતી. રાજ્યના મોટા ગજાનાં અન્ય કેટલાક નેતાઓ પણ લાંબા સમય સુધી ચાલેલી આ બેઠકમાં ઉપસ્થિત હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર આ બેઠકમાં લોકસભા ચૂંટણી પૂર્વે સરકાર અને સંગઠનમાં ફેરફારના મુદ્દે ચર્ચા થઈ હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારત-પાકિસ્તાન મેચ પહેલા ૧૩ ઓક્ટોબરની રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. અને તે જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને ગુજરાતના નેતાઓ સાથે પણ બેઠક યોજાઈ હતી. પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્વે જ ભાજપમાં ખાલી પડેલા બે મહામંત્રીના પદે નિયુક્તિ કરવાની તથા નવરાત્રિમાં જ રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ કરી પાંચેક પ્રધાનોનો સમાવેશ થવાની હવાએ જોર પકડ્યું છે ત્યારે પાર્ટી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષના એલાયન્સને રોકવા માટે કોઈપણ ભોગે તમામ ૨૬ બેઠક જીતવા માગે છે. આવી સ્થિતિમાં પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા જે નેતાઓને લોકસભા ચૂંટણી લડાવવા માગે છે તેમને સક્રિય કરવા માગે છે. આગામી દિવસોમાં રાજ્ય સરકારની ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની સાથે સંગઠનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. વર્તમાન કેબિનેટના કેટલાક મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફારની અટકળોની સાથે સંગઠનને લઈને એવી ચર્ચા છે કે ટૂંક સમયમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ટીમમાં મહાસચિવોની જાહેરાત થઈ શકે છે.
ભાર્ગવ ભટ્ટની વિદાય અને પ્રદીપસિંહ જાડેજાના રાજીનામા બાદ બે મહામંત્રીની જગ્યાઓ ખાલી પડી છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાર્ટી ૨૦૨૪ની ચૂંટણી સુધી રાજ્યની કમાન સીઆર પાટીલના હાથમાં જ રાખશે. પાર્ટીએ ૨૦૧૪ અને ૨૦૧૯માં તમામ ૨૬ લોકસભા બેઠકો કબજે કરી હતી. પાર્ટી કોઈપણ ભોગે ૨૦૨૪ની ચૂંટણીમાં ક્લીન સ્વીપની હેટ્રિકને બરકરાર રાખવા માંગે છે. છેલ્લાં ઘણા સમયથી ગુજરાત ભાજપ અને સરકારમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. એવામાં દિલ્હીમાં પીએમ નિવાસ સ્થાને બંધબારણે યોજાયેલ બેઠક ના બેજ દિવસમાં રાત્રે ૧૨ થી વહેલી સવાર સુધી ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠક એ તમામ અટકળોને તેજ કરી છે હવે જોવાનું રહેશે કે અટકળો માત્ર અટકળો જ બની રહે છે કે ગુજરાતના રાજકારણમાં મોટા બદલાવ આવે છે.