ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસઃ ગાંધીનગરમાં વિવિધ જાહેર કાર્યક્રમો
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના બે દિવસ પ્રવાસે આવ્યા છે. આજે ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. આજે સવારે 11 વાગ્યે તેઓ ADC બેંકના કાર્યક્રમમાં તેમજ સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં હાજરી આપશે. ગાંધીનગર લોકસભામાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી આપશે અને સાંજે તેઓ માણસા કુળદેવીના દર્શને જશે.
વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. અમિત શાહના હસ્તે રાજ્યના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. આજે સવારે 10 વાગ્યે અમિત શાહ ગાંધીનગરમાં હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ સવારે 11 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ બપોરે 12:20 કલાકે ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ બપોરે 3:15 કલાકે માણસામાં ચંદ્રાસર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરાશે.
ગુરૂવારે અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશ્નર કચેરીનું લોકાર્પણ કર્યું
ગઈકાલે ગુરૂવારે અમદાવાદ ખાતે નિર્માણ પામેલા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાત પોલીસનું ‘તેરા તુજકો અર્પણ’ સિટિઝન સેન્ટ્રીક પોર્ટલ પણ આ પ્રંસગે લોન્ચ કરવામાં આવ્યું હતું. સાથે જ, એડીસી બેંક અને સાઇબર ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી સાયબર સાથી પુસ્તિકાનું આ પ્રસંગે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો.