આપણું ગુજરાત

સાણંદમાં દેશભક્તિનો રંગ: અમિત શાહની તિરંગા યાત્રામાં 680 મીટરનો તિરંગો આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો…

સાણંદ: ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓના ભાગરૂપે આજે અમદાવાદના સાણંદ ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ જોડાયા હતા.

680 મીટર લાંબા તીરંગાએ ધ્યાન ખેંચ્યું
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નળ સરોવર ચોકડીથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે અહીંથી એકલિંગજી રોડ પર આવેલા મહારાણા પ્રતાપના સ્મારક સુધી પદયાત્રા કરી હતી. આ દરમિયાન તેમણે યુવાનો અને ગ્રામજનોના ભારે ઉત્સાહને આવકાર્યો હતો. યાત્રામાં અમદાવાદ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો અને અધિકારીઓ/કર્મચારીઓ 680 મીટર લાંબો તિરંગો લઈને જોડાયા હતા, જેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

આ ભવ્ય તિરંગા યાત્રામાં સાણંદ અને આસપાસના વિસ્તારોના મોટી સંખ્યામાં નાગરિકો, સામાજિક અને રાજકીય આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારત માતાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ઉપસ્થિત સૌએ ભારતીય સેનાના સાહસ અને શૌર્યને હૃદયપૂર્વક વધાવ્યું હતું.

આ યાત્રામાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધૂકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, રાજકીય અગ્રણી શૈલેષભાઈ દાવડા, હર્ષદગિરિ ગોસ્વામી તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આપણ વાંચો : ભારત ન્યૂક્લિયર ધમકીથી ડરવાનું નથી, પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યાઃ ગાંધીનગરમાં અમિત શાહ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button