અમદાવાદ-ગાંધીનગરને અમિત શાહની વિકાસની ભેટ, રૂ. 1593 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત…

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આજે અમદાવાદના પલ્લવ બ્રિજના લોકાર્પણ સહિત અમદાવાદ મહાનગરપાલિકા અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂ. 1593 કરોડના ખર્ચે નિર્માણ પામનારાં કુલ 94 પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદના પલ્લવ ચાર રસ્તા ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા.

મને હૃદયથી આનંદ થયો કારણ કે….
આ પ્રસંગે સંબોધન કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે હું પોતે 40 વર્ષ સુધી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહ્યો છું અને આજે આટલો મોટો પલ્લવ બ્રિજ જોઈને મને હૃદયથી આનંદ થયો છે. તેમણે અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના નેતૃત્વને બિરદાવતા કહ્યું કે એક જ કાર્યક્રમમાં 1550થી વધુ કરોડના વિકાસ કાર્યોની ભેટ આજે લોકોને મળી રહી છે. તેમણે પર્યાવરણની જાળવણી માટે ‘એક નાગરિક એક વૃક્ષ’નો સંકલ્પ લેવા અને યુવાનોને વડાપ્રધાનના ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષો વાવવા અપીલ કરી હતી.
બ્રહ્મોસ મિસાઇલ થઈ રહી છે ઈન્ટરનેટમાં સર્ચ
કેન્દ્રીય પ્રધાને આ અંગે વધુ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકીઓના સફાયા ઉપરાંત પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવાનું પણ મોટું કામ થયું. પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડાઓ આવેલા છે અને એ જ આતંકવાદને ઉછેરે છે, એ બાબત આજે વિશ્વ સમક્ષ સ્પષ્ટ થઈ ચૂકી છે. ભારતીય સેનાઓના પરાક્રમ, સજ્જતા અને મારક ક્ષમતા ઉપરાંત વડાપ્રધાનની દૃઢ રાજકીય ઇચ્છાશક્તિને કારણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો છે. આજે વિશ્વના યુવાનો ભારત દ્વારા ભારતમાં જ બનેલી બ્રહ્મોસ મિસાઇલ અંગે જાણવા ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે.

700થી વધુ જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત
આ કાર્યક્રમમાં અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી નિમણૂક પામેલા 700થી વધુ જુનિયર ક્લાર્કને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ ઉપરાંત, ખાદી ગ્રામોદ્યોગ આયોગ દ્વારા કારીગરોને રોજગારીના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસોનો ડ્રો પણ યોજાયો હતો. આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ કરાયેલા વિકાસ કાર્યોમાં રૂ. 394 કરોડના 34 પ્રોજેક્ટ્સ અને ખાતમુહૂર્ત કરાયેલા રૂ. 1199 કરોડના 60 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં બ્રિજ, હાઉસિંગ, વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, અર્બન હેલ્થ સેન્ટર અને ગાર્ડન જેવા વિવિધ પ્રજાલક્ષી કાર્યોનો સમાવેશ થાય છે.

94 વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર લોકસભા વિસ્તાર અને અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અંદાજિત રૂ.1593 કરોડના ખર્ચે કુલ 94 વિકાસ કાર્યોનું કેન્દ્રીય ગૃહ પ્રધાને લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. લોકાર્પિત થયેલાં વિકાસકામો જોઈએ તો, રૂ. 394 કરોડના ખર્ચે 34 પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને આવાસ ડ્રોનો સમાવેશ થાય છે. રૂપિયા 170 કરોડના ખર્ચે હાઉસિંગ પ્રોજેક્ટ, રૂપિયા 116 કરોડના ખર્ચે બ્રિજ પ્રોજેક્ટ, રૂપિયા 86 કરોડના ખર્ચે વોટર પ્રોજેક્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂપિયા 17 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર, શ્રમિક સુવિધા કેન્દ્ર અને આંગણવાડી પ્રોજેક્ટ તેમજ રૂ. 5 કરોડના ખર્ચે ગાર્ડન અને કળાઓ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રૂ. 119 કરોડના ખર્ચે 60 પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અમિત શાહે કર્યું હતું. જેમાં રૂ. 579 કરોડના ખર્ચે બ્રિજ પ્રોજેક્ટ, રૂપિયા ૩૫૬ કરોડના ખર્ચે વોટર પ્રોજેક્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂ. 222 કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ, શ્રમ સુવિધા કેન્દ્ર, અમદાવાદ હાટ, ફૂડપાર્ક, સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ, પાર્ટી પ્લોટ, મહિલા જીમ્નેશિયમ અને અર્બન હેલ્થ સેન્ટર પ્રોજેક્ટ તેમજ રૂ. 42 કરોડના ખર્ચે ગાર્ડન અને તળાવ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.