અમિત શાહ આજથી બે દિવસ અમદાવાદમાં, આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી નવરાત્રિના પ્રથમ બે દિવસ ગુજરાતમાં (Amitshah in Gujarat) છે. આજે સવારે કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા અમદાવાદમાં મનપાના 447 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. સાંજે 5 વાગ્યે શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે. રાત્રે 8 વાગ્યે વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નું ઉદ્ઘાટન કરશે. બીજા દિવસે સાંજે માણસાના બીલોદરા ખાતે પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે અને મોડી સાંજે તેમના વતન ખાતે માતાજીની આરતી અને દર્શન કરશે.
સાંજે પાંચ વાગ્યે નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે:
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને શહેરમાં ફરજ બજાવતા અન્ય પોલીસ અધિકારીઓને આ નવી પોલીસ કમિશનર કચેરી આવતીકાલે મળશે. આવતીકાલે ગુરૂવારે દેશના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાંજે 5 વાગ્યે આ પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે. શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જ 5,907 ચોરસ મીટરમાં આ નવી પોલીસ કમિશનર કચેરી બનાવવામાં આવી છે.
થોડા દિવસો પહેલા જ હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું
રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી થોડા દિવસો પહેલા જ નવી પોલીસ કમિશનર કચેરીનું નિરીક્ષણ કર્યું હતુ. આ નવી પોલીસ કમિશનર કચેરીમાં કોન્ફરન્સ હોલ, ત્રણ ઈન્વેસ્ટીગેશન રૂમ, ત્રણ ઈન્ટ્રોગેશન રૂમ, કિચન અને કેન્ટીન, બે SRP ગાર્ડ રૂમ, ઈલેક્ટ્રિક વાયર સાથેની 30 ફૂટ ઊંચી કમ્પાઉન્ડીંગ વોલ, ગાર્ડન, RCC રોડ અન્ય અન્ય ઘણી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.