અમિત શાહે ગાંધીનગરમાં 707 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ શનિવારે ગાંધીનગરની મુલાકાતે પહોચ્યા હતા. આ દરમિયાન અમિત શાહે મહાનગરપાલિકા અને ગુડા દ્વારા હાથ ધરાયેલા 707 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને વાવોલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનું લોકાપર્ણ કર્યું હતું. જે બાદ તેઓએ સેક્ટર 21 અને 22ને જોડતા નવીન અંડરબ્રિજને ખુલ્લો મુક્યો હતો. તેમજ પેથાપૂરમાં નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાપર્ણ કર્યું હતું. જે બાદ કોલવડા અમૃત તળાવનું લોકાપર્ણ કર્યું હતું. કોલવડા ગામ ખાતે કોર્પોરેશન અને ટપાલ વિભાગના વિવિધ વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે. અમિત શાહ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો પણ જોડાયા હતા.
આ પણ વાંચો: ગૃહ પ્રધાન અમિત શાહ ફરી આવશે ગૃહ રાજ્યની મુલાકાતે, જાણો શું હશે યોજના?
અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના કુલ 78 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. આમાં 575.43 કરોડ રૂપિયાના 45 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સામેલ છે. ઉત્તર વિધાનસભા વિસ્તારમાં 168 કરોડના 15 પ્રોજેક્ટ, દક્ષિણ વિસ્તારમાં 321.50 કરોડના 22 પ્રોજેક્ટ અને બંને વિસ્તારને આવરી લેતા 85.26 કરોડના 8 પ્રોજેક્ટ હાથ ધરાશે. મુખ્ય પ્રોજેક્ટમાં સેક્ટર-22 પંચદેવ મંદિરથી સેક્ટર-21 સુધીનો 16.46 કરોડનો અંડરબ્રિજ અને કોલવડા ખાતે 11.52 કરોડના ખર્ચે નિર્માણ થયેલા તળાવનો પણ સમાવેશ થાય છે.