ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે, અમદાવાદમાં કાર્યકરોને સંબોધતા કરી આ ટકોર

અમદાવાદ: ગૃહપ્રધાન અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે અમદાવાદ ખાતે ભાજપના કાર્યકરોને સંબોધ્યા હતા. પોતાના સંબોધનમાં તેણે કહ્યું કે,’ આ વખતે દેશની જનતા 400 પાર કરવાના નારા લગાવી રહી છે. જનતા ચૂંટણી (Loksabha Election 2024) જાહેર થવાની રાહ જોઈ રહી છે. નરેન્દ્રભાઈએ સંકલ્પથી સિદ્ધિનો માર્ગ બતાવ્યો છે. અત્યાર સુધી મેં આખા દેશમાં 135 બેઠકોની મુલાકાત લીધી છે, દરેક જગ્યાએ મોદી જ મોદી છે. લોકસભાની ચૂંટણી માત્ર સાંસદોને ચૂંટવા માટે નથી, પરંતુ દરેક મતદારને આપણી સંકલ્પ યાત્રા સાથે જોડવાની પણ છે. ધ્યેય ચૂંટણી જીતવાનો હોવો જોઈએ અને જીતવું જરૂરી છે. લોકોને નમ્રતાથી મળો. પ્રચારમાં દરેકને શામેલ કરો.
વધુમાં શાહ કહે છે કે,’આજે મને 29 વર્ષ પહેલાનું દ્રશ્ય યાદ આવે છે. હું વિધાનસભાની ચૂંટણી લડવાનો હતો, તે સમયે મેં હનુમાન દાદાના દર્શન કર્યા હતા અને ભૂપેન્દ્ર પટેલ કાઉન્સિલર હતા. આજે ફરી લોકસભાની ચૂંટણી માટે અમે ત્યાંથી શરૂઆત કરી છે. ભાજપે બૂથ કાર્યકરને દેશના ગૃહમંત્રી બનાવ્યા. પાર્ટીએ એક ગરીબ પરિવારના ચા વેચનારને વડાપ્રધાન બનાવ્યો. ભાજપમાં આંતરિક લોકશાહી છે, જેના કારણે આ શક્ય બન્યું છે.
શાહે કહ્યું કે, અમારા નેતા નરેન્દ્રભાઈ અને પક્ષ પ્રમુખે મને ફરી એકવાર ગાંધીનગરથી તક આપી છે. નરેન્દ્રભાઈએ વિધાનસભા-સંસદમાં 33% મહિલા અનામત આપીને મહિલા શક્તિના દ્વાર ખોલ્યા છે. આજે નરેન્દ્રભાઈ માત્ર દેશના જ નહીં પરંતુ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. આઝાદી પછી માત્ર નરેન્દ્રભાઈએ જ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.
તેમણે કહ્યું, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. આતંકવાદીઓએ બે વાર હુમલો કર્યો, જેનો જવાબ તેમણે સર્જિકલ અને હવાઈ હુમલાથી આપ્યો. ડોકલામમાં ચીને જે કંઈ કર્યું, બધા વિચારી રહ્યા હતા કે શું થશે? નરેન્દ્રભાઈએ આંખો બતાવી અને ચીન પરત ફરવું પડ્યું.’