આપણું ગુજરાત

અર્જુન મોઢવાડિયા અમિત શાહને મળતા ગુજરાતમાં રાજકીય ઉથલપાથલના એંધાણ

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણને લઈ ચર્ચા ચાલુ થઈ હતી, પરંતુ એના પછી ફરી રાજકીય ગરમાવો વધ્યો છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં અર્જુન મોઢવાડિયા પ્રવેશ્યા પછી ફરી ચર્ચામાં આવ્યા છે. પોરબંદરથી ભાજપના વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સી. આર. પાટીલ સાથે મુલાકાત કરતા વિવિધ અટકળો વહેતી થઈ હતી.

આ મુલાકાતને કારણે ગુજરાતના રાજકારણમાં મોટી હિલચાલ થવાની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાટનગર દિલ્હીમાં અર્જુન મોઢવાડિયા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સીઆર પાટીલને મળ્યા પછી તેમને મંત્રીપદ આપી શકાય એવી અટકળો વ્યક્ત કરાઈ રહી છે. મોઢવાડિયાના સિવાય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રાઘવજી પટેલે પણ પાટનગરમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા, તેથી મુખ્ય પ્રધાનના પ્રધાનમંડળમાં કોઈને સ્થાન મળે શકે એવી રાજકીય વર્તુળોએ શક્યતા વ્યક્ત કરી હતી.

ગુજરાત કોંગ્રેસમાં વર્ષો સુધી અનેક હોદ્દા પર કામ કરનારા મોઢવાડિયા લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ પોરબંદરની પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત્યા હતા. અહીં એ જણાવવાનું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીકમાં આવી રહી છે, તેથી હવે ફરી એક વખત સરકાર પ્રધાનમંડળમાં વિસ્તરણ થઈ શકે છે.

આ પણ વાંચો : Wayanad Landslides: ગૃહ મંત્રી અમિત શાહે રાજ્ય સભામાં આપ્યો જવાબ, કહ્યું સરકારને આપવામાં આવી હતી ચેતવણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે અમુકના પ્રધાનમંડળમાંથી પત્તા કપાઈ શકે છે તેના પર પણ સૌની નજર છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાંથી અમુકને પડતા મૂકાઈ શકે છે, જ્યારે પક્ષપલટુઓને પણ સ્થાન આપે તો નવાઈ નહીં, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button