10 વર્ષમાં જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને નકસલ પ્રભાવિત વિસ્તારોમાં હિંસા 70 ટકા ઘટીઃ અમિત શાહ
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. સોમવારે ઘાટલોડિયા વિધાનસભા ખાતે ‘નૂતન વર્ષ સ્નેહ મિલન’ સમારોહ’માં ભાજપાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા બાદ આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આયોજીત 50માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનમાં હાજરી આપી હતી. જેમાં તેમણે કહ્યું, ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને નકસલ પ્રભાવિત વિસ્તારોમાં હિંસાને 70 ટકા ઘટાડી છે. આગામી દાયકામાં ભારતની ન્યાય પદ્ધતિ સમગ્ર વિશ્વમાં સૌથી વૈજ્ઞાનિક અને ઝડપી હશે.
શાહે કહ્યું, જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને નક્સલ પ્રભાવિત વિસ્તારોને સૌથી વધુ અશાંત માનવામાં આવતા હતા. પરંતુ આજે ત્રણેય વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિમાં મહત્વપૂર્ણ સુધારો થયો છે. છેલ્લા દાયકાના આંકડાની તુલનામાં હિંસા 70 ટકા સુધી ઘટી છે. ગૃહપ્રધાને કહ્યું, ત્રણેય નવા કાયદા લાગુ થવાથી હવે કોઈપણ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક ફરિયાદ નોંધાવવા પર ત્રણ વર્ષની અંદર સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળશે.
ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) અને બીએસએ 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવ્યા છે. આ કાયદા બ્રિટિશ કાળના ભારતીય દંડ સહિતા (આઈપીસી), દંડ પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી)ને બદલવા માટે લાવવામાં આવ્યા છે. આ સુધારાથી ભારતની ન્યાય પદ્ધતિ વધુ મજબૂત અને ઝડપી બનશે. જેનાતી આમ આદમીને સમય પર ન્યાય મળશે.