તહેવારોના ઉત્સાહ વચ્ચે કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું: અપમૃત્યુની ઘટનાઓમાં પાંચનાં મોત
ભુજ: દિવાળીની ઉજવણીના ઉત્સાહ વચ્ચે કચ્છમાં અપમૃત્યુની બનેલી વિવિધ દુર્ઘટનાઓમાં પાંચ લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે.
બંદરીય મુંદરા તાલુકાના છસરા નજીક ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અંજારના આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, ધનતેરસના સપરમા દિવસે છસરા ગામની ભાગોળે આવેલા મોખાના આંતરિક માર્ગ પરથી ધોરીમાર્ગ ચડાવતી વખતે અંજારના સંજય રાજુભાઈ ચૌહાણ નામના ૩૦ વર્ષીય યુવાને રેસ વધુ દઈ દેતાં મોટરસાઇકલ ગાંધીધામ તરફ જઈ રહેલા ટ્રક સાથે ટકરાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચવાથી સ્થળ પર જ મોત થયું હતું. હતભાગીના મૃતદેહને મુંદરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે લઇ જઈ તેના પરિવારજનોને જાણ કર્યા બાદ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. અન્ય અકસ્માતનો બનાવ પૂર્વ કચ્છના અંજાર તાલુકાના સિનુગ્રા પાસે બન્યો હતો જેમાં બે મોટરસાઇકલો સામસામે ટકરાતાં એક મોટરસાઇકલ ચાલકે જીવ ગુમાવ્યો હતો, જ્યારે બીજાને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસે સિનુગ્રાની ઘાંચી શેરીમાં રહેતા ટ્રાન્સપોર્ટર મેઘરાજસિંહ નરપતસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદને ટાંકી, વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત સાતમી નવેમ્બરની સાંજે ફરિયાદીના મોટા ભાઇ લગધીરસિંહ જશુભા સરવૈયા તેમની પુત્રીના જન્મદિવસ અને દિવાળીના તહેવારો માટે ખરીદી કરવા મોટરસાઇકલ પર જઇ રહ્યા હતા. તેઓ રામકો કંપની પાસે પહોંચ્યા ત્યારે સામેથી ધસી આવેલા મોટરસાઇકલ સાથે તેમનો અકસ્માત થતાં હેલ્મેટ પહેરી ન હોઈ, માથામાં તેમજ શરીરના અન્ય અવયવોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર મળે તે અગાઉ જ મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જનારા દ્વિચક્રી ચાલકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઇ જવાયો હતો. પોલીસે તેમની ફરિયાદના આધારે ઘાયલ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રીજી ઘટનામાં ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ પર બનેલી કરુણાંતિકામાં પાર્કિંગ માટે રિવર્સ આવતા ટ્રેઇલર અને ટેન્કર વચ્ચે દબાઇ જતાં ચોકીદારનું અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે મુળ રાજસ્થાનના હાલે વોંધ પાસે ગુરુકૃપા અને ગાંધીધામમાં બજરંગ હોટેલ ચલાવતા રાણારામ સાવલારામ પ્રજાપતિએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ગુરૂવારે વહેલી સવારે ભચાઉ ગાંધીધામ-ધોરીમાર્ગ પર આવેલી તેમની બજરંગ હોટેલના પાર્કિંગમાં આવેલા ટ્રેઇલરને ચોકિદાર મોદલખાન રખાવી રહ્યો હતો ત્યારે ટ્રેઇલર ચાલકની બેદરકારીથી ટ્રેઇલર અને પાછળ ઊભેલા ટેન્કર વચ્ચે દબાઇ જતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જીવલેણ અકસ્માત સર્જનાર ટ્રેઇલર ચાલક હિરાલાલ ગોકળજી રબારી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ ભચાઉ પોલીસે હાથ ધરી છે. વધુ એક અપમૃત્યુના કિસ્સામાં ગાંધીધામના જવાહરનગર વિસ્તારમાં આવેલી ભાનુ એગ્રો નામના એકમમાં ફરજ બજાવતા યુવાનનું ઊંચાઈ પરથી પડી જતા મોત નિપજ્યું હતું. ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે દાખલ થયેલી નોંધ અનુસાર ગત નવમી નવેમ્બરના સવારના અરસામાં શહેરના જવાહર નગરમાં આવેલા ભાનુ એગ્રોમાં કામ કરી રહેલા પીંટુ મનજી નામનો યુવાન અકસ્માતે નીચે પટકાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. કામદારને સારવાર માટે આદિપુરની રામબાગ હોસ્પિટલે ખસેડાયો હતો પણ સારવાર મળે તે અગાઉ યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જયારે ભુજ તાલુકાના કોડકી ગામમાં રહેતા યુવાને કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા દિવાળીના ઉત્સાહ વચ્ચે પરિવારમાં અરેરાટી છવાઇ જવા પામી છે. માનકુવા પોલીસ સ્ટેશનેથી ૨૯ વર્ષના અપરિણીત રાહુલ જખુભાઈ ચાવડા નામના યુવાને ગત ગુરુવારે પોતાના ઘરે પંખામાં દોરડું બાંધી આત્મઘાતી પગલું ભરી લેતા તેને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.