અમદાવાદ રેલવે સ્ટેશન અસામાજિક તત્વોનો અડ્ડો! ચોરી, દારૂ, ગાંજાના આટલા કેસ નોંધાયા…

અમદાવાદઃ અમદાવાદ રેલવે સ્ટેશન ધીમેધીમે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે. બૂટલેગર અને ડ્રગ્સ પેડલરોએ અમદાવાદ રેલવે સ્ટેશન પર ધામા નાખ્યા છે. છેલ્લાં દોઢ મહિનામાં ટ્રેન અને અમદાવાદ રેલવે મથક પરથી રૂ. 2.55 લાખનો દારૂ, ગાંજો પકડાયો હતો. તેમજ મોબાઈલ, રોકડ સહિત કુલ રૂ. 26.29 લાખની ચોરી થઈ હોવાનું નોંધાયું છે.
હવે ટ્રેનમાં મુસાફરી કરવામાં લોકોને અસલામતીનો અનુભવ:
1લી ઓગસ્ટથી 17મી સપ્ટેમ્બર સુધીના માત્ર દોઢ મહિનામાં રેલવેમાં દારૂના 18 બેગ સહિતના સામાનની ચોરીના 37, મોબાઈલ ફોનની ચોરીના 37 અને ગાંજો પકડવાના બે કેસ કેસ પોલીસ સ્ટેશને નોંધાયા છે. આ ઉપરાંત અનેકગણી વધારે માત્રામાં અસામાજિક કૃત્યો તો ટ્રેનમાં થઈ રહ્યા છે. મુસાફરોની સલામતી માટે આરપીએફ અને રેલવે પોલીસ એમ બે ફોર્સ છે. આમ છતાં હવે ટ્રેનમાં મુસાફરી કરવામાં લોકો ધીમે ધીમે અસલામતીનો અનુભવ કરી રહ્યા છે.
શહેરના બે રેલવે સ્ટેશન પરથી 15.78 લાખની ચોરીની ફરીયાદ:
શહેરમાં દોઢ મહિનામાં વિવિધ લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેન સહિત અમદાવાદ અને અસારવા રેલવે મથક પરથી 15.78 લાખના મુદ્દામાલ ભરેલી બેગ ચોરાયાની રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મુસાફરો માટે સૌથી સુરક્ષિત અને આરામદાયી ગણાતી વંદભારત ટ્રેનમાંથી પણ ગત 31મી ઓગસ્ટના રોજ મુંબઈથી અમદાવાદ આવતા બોપલના યુવકની 75 હજારની મત્તા ભરેલી ટ્રોલી બેગ ચોરી થઈ જતાં ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી. એટલું જ નહીં રેલવે મથકના પરિસરમાં પાર્ક કરેલા 85 હજારના ત્રણ ટુવ્હીલર ચોરી થયા હતાં.
મોબાઈલની ચોરીની ફરીયાદ નોંધાઈ
છેલ્લાં દોઢ માસમાં ટ્રેનની સાથે અમદાવાદ રેલવે મથકના વિવિધ પ્લેટફોર્મ, ટિકિટ બારી, એસ્કેલેટર, સીડી, ફૂટઓવર બ્રિજ, પ્રતિભાલ તથા આરામગૃહમાંથી રૂ. 8.63 લાખના 39 મોબાઈલ ફોનની ચોરી તેમજ ચિલઝડપ થઈ હોવાની 37 પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ખુલ્લેઆમ દારૂ, ગાંજા અને ડ્રગની હેરાફેરી વધી:
પોલીસ અને રેલવે તંત્ર ભરનિંદ્રામાં હોવાથી પૅડલરો ટ્રેન મારફતે ખુલ્લેઆમ દારૂ, ગાંજા અને ડ્રગની હેરાફેરી કરે છે. ટ્રેનમાંથી વારંવાર ગાંજો મળે છે પરંતુ મોટાભાગે આરોપી પકડાતા નથી. પોલીસ પણ વરસમાં ટાર્ગેટ પૂરા કરવા માટે કાર્યવાહી કરી નશીલા પદાર્થને પકડે છે. 5મી ઓગસ્ટ ના રોજ અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી 49 હજારની કિંમતનો 04.964 કિલો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. પરંતુ દરવખતે ગાંજો બિનવારસી હાલતમાં મળી આવતો હોવાથી પોલીસ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. 9મી સપ્ટેમ્બરના રોજ ઓરિસ્સાના બે શખ્સો 1.62 લાખની કિંમતનો 19.225 કિલોગ્રામ ગાંજો ઓરિસ્સાથી ટ્રેન મારફતે અમદાવાદ લઈ આવ્યા ત્યાં સુધી પોલીસને તેની જાણ સુદ્ધાં થઈ ન હતી.
દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેવા કિસ્સા દરરોજ બને છે. ત્યારે ગત 1લી ઓગસ્ટથી 17મી સપ્ટેમ્બર સુધીમાં ટ્રેન અને રેલવે મથક પરથી 44,399ની કિંમતના વિદેશી દારૂના 208 બોટલ/ક્વાટર ટેટ્રાપેક તેમજ દેશીદારૂના 117.8 લિટર જથ્થા સાથે 17 લોકોની ધરપડક કરવામાં આવી હતી.